હૈદરાબાદ: જન્માષ્ટમીની શોભાયાત્રામાં દરમિયાન રથ વીજ તાર સાથે અથડાતા 5 ભક્તોના મોત
બેંગ્લોરઃ હૈદરાબાદમાં જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી હતી. રામંતાપુર વિસ્તારમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રા દરમિયાન અચાનક રથ ઉપરથી પસાર થઈ રહેલા હાઈટેન્શન વાયરના સંપર્કમાં આવ્યો હતો. આ દૂર્ઘટનામાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. અન્ય ઘણા ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીનો ગનમેન પણ સામેલ છે. આ દૂર્ઘટનાને પગલે લોકોમાં શોક ફેલાયો છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા દૂર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રૂપે ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના રવિવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ રામંથપુર વિસ્તારમાં થઈ હતી. મૃતકોની ઓળખ ક્રિષ્ના યાદવ, શ્રીકાંત રેડ્ડી, રૂદ્ર વિકાસ, સુરેશ યાદવ અને ક્રિષ્ના તરીકે થઈ છે.
કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીનો ગનમેન પણ આ શોભાયાત્રામાં સામેલ હતો. જેને પણ ગંભીર ઈજા થઈ છે. ભગવાન કૃષ્ણનો રથ ખેંચતી વખતે રથ અચાનક ઉપરથી પસાર થઈ રહેલા હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં માહોલ ગમગીન થયો હતો. મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. શબના પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવશે.