અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાં લંડનથી આવેલા પાર્સલમાં હાઈબ્રિડ ગાંજો નીકળ્યો
- પોલીસે અંદાજે 58 લાખની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો,
- SOGની ટીમે એરપોર્ટ સેક્શન ઓફિસમાં છ પાર્સલની તપાસ કરી હતી,
- ચોકલેટ અને બિસ્કિટની ભેટ તરીકે લંડનથી પાર્સલ મોકલાયુ હતુ,
અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી મોકલાતા પાર્સલોમાં ડ્રગ્સ પકડવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ લંડનથી મોકલવામાં આવેલા ચોકલેટ અને બિસ્કિટના પાર્સલમાં છુપાયેલા 525 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસે અંદાજે 52.58 લાખની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ગુપ્ત માહિતીના આધારે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસના પહેલા માળેથી પાર્સલમાં ગાંજો પકડવામાં આવ્યો હતો. SOG અધિકારીઓની આગેવાની હેઠળની એક ટીમે એરપોર્ટ સેક્શન ઓફિસમાં છ પાર્સલની તપાસ કરી હતી. જેમાંથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા. સમગ્ર મામલે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (DCB) પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
SOGના સૂત્રોએ કહ્યુ હતું કે, શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં પાર્સલ લંડનથી આવેલા હતા. જેમાં ચોકલેટ અને બિસ્કિટની ભેટ તરીકે છૂપાવીને ગાંજો મોકલવામાં આવ્યો હતો. મોકલનાર અને જેને ગાંજો મેળવવાનો હતો એની હજુ સુધી ઓળખ થઈ નથી. આ શિપમેન્ટ પાછળના આંતરરાષ્ટ્રીય નેટવર્કને શોધવા અને અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.