દસાડા-એછવાડા રોડ પર પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા પતિ-પત્નીનું મોત
- જખવાડાથી દંપત્તી બાઈક પર પરત ફરતા હતા ત્યારે સર્જાયો અકસ્માત,
- બાઈકચાલકનું ઘટના સ્થળે અને પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું,
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં પાટડી તાલુકામાં વધુ એક રોડ અકસ્માતમાં દંપત્તીનું મોત નિપજ્યું હતું. પાટડીના દસાડા એછવાડા રોડ પર બપોરના સમયે પૂરઝડપે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર દંપતિનું મૃત્યુ નિપજયું હતું.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, દસાડા (પાટડી) તાલુકાના વણોદ ગામના અંદાજે 36 વર્ષના ગોપાલભાઈ મહાદેવભાઈ ઠાકોર તથા તેમના પત્નિ અંદાજે 35 વર્ષના જાનકીબેન ગોપાલભાઈ ઠાકોર સવારે બેસણાની વિધિના સામાજિક કામ અર્થે વિરમગામ તાલુકાના જખવાડા ગામે ગયા હતા. ત્યાં કામ પતાવીને વરમોર થઈ દસાડા એછવાડા રોડ ઉપરથી પોતાના ઘરે વણોદ તરફ બાઈક પર જઈ રહ્યાં હતા. દરમિયાન વરમોરથી 1 કિમી દૂર દસાડા એછવાડા રોડ ઉપર સાામેથી હોન્ડા કાર અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર દંપતીને શરીરના અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતાં બાઈકચાલક ગોપાલભાઈ ઠાકોરનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું. જ્યારે તેમના પત્નિ જાનકીબેનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
આ અકસ્માતની જાણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. દસાડા એછવાડા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં દંપતીનો ભાગ લીધો હતો.