સુરતના ઊધના રેલવે સ્ટેશન પર વતન જવા માટે પરપ્રાંતિ પ્રવાસીઓની ભારે ભીડ
- દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહારની ચૂંટણીને લીધે પ્રવાસીઓનો ધસારો,
- યુપી, બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઈસફુલ,
- ટ્રેનના જનરલ કોચમાં સીટ મેળવવા ધક્કામુક્કી
સુરતઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે દિવાળી, છઠ્ઠ પૂજા અને બિહારની ચૂંટણીને લીધે બિહાર અને ઉત્તર પ્રદેશ જતી તમામ ટ્રેનો હાઉસ ફુલ દોડી રહી છે. સુરતના ઊધના રેલવે સ્ટેશન પર હૈયેહૈયુ દળાય એવી પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં ટ્રેનોના જનરલ કોચમાં તો સીટ મેળવવા માટે પ્રવાસીઓ ધક્કામુકી કરતા જોવા મળી રહ્યા છે. જોકે પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે આરપીએફનો બંદાબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. એક ટ્રેનમાં જગ્યા ન મળે તો પરપ્રાંતના પ્રવાસીઓ રેલવે સ્ટેશન પર બેસી રહીને બીજી ટ્રેનની રાહ જોતા હોય છે.
સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે. દિવાળીના તહેવારો અને છઠ્ઠ પૂજા માટે પરપ્રાંતના પ્રવાસીઓ પોતાના માદરે વતન જતા હોય છે. દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા હોવાથી પ્રવાસીઓ પોતાના માદરે વતન જઈ રહ્યા છે. ઊધના રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટ્યો છે. પ્રવાસીઓની આ જંગી ભીડને કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ટ્રેનોમાં સીટ મેળવવા માટે પ્રવાસીઓ એકબીજા સાથે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા, જેના કારણે બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રેલવે પ્રશાસન દ્વારા રેલવે સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા દળો સ્ટેશનના પ્રવેશદ્વારથી લઈને પ્લેટફોર્મ સુધી વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં, ભીડ પર નજર રાખવા માટે CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં પ્રવાસીઓના ધસારાને લીધે નિયમિત ટ્રેનો ઉપરાંત અન્ય સ્પેશિયલ અને અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ગત વર્ષોમાં આ સિઝનમાં જોવા મળેલી ભારે ભીડ અને તેના કારણે થયેલી અગવડતાને ધ્યાનમાં રાખીને, આ વર્ષે પણ રેલવેએ વધારાની ટ્રેન ટ્રિપ્સની જાહેરાત કરી છે. જોકે, પ્રવાસીઓની સંખ્યા એટલી વિશાળ છે કે વિશેષ ટ્રેનો પણ ઓછી પડી રહી છે. પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ શાંતિ જાળવે અને રેલવે તેમજ સુરક્ષા દળોને સહકાર આપે. આ ભીડ આગામી થોડા દિવસો સુધી રહેવાની શક્યતા છે, જ્યાં સુધી મોટા ભાગના પ્રવાસીઓ તેમના વતન પહોંચી ન જાય.