હુથી બળવાખોરોએ ઈઝરાયલના શહેર ઈલાત પર ડ્રોન હુમલો કર્યો
યમનના હુથી બળવાખોરોએ રવિવારે મોડી રાત્રે ઈઝરાયલી લાલ સમુદ્રના રિસોર્ટ શહેર ઈલાત પર ડ્રોન હુમલો કર્યો. જોકે, ઈઝરાયલી સૈન્યએ માનવરહિત વિમાનને અટકાવ્યું હતું. ઈઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે, "દુશ્મન વિમાને ઈલાત વિસ્તારમાં ઘૂસણખોરી કર્યા પછી સાયરન વાગ્યું, જેના કારણે ઝડપી કાર્યવાહી કરવામાં આવી. ઈઝરાયલી વાયુસેનાએ યમનથી છોડવામાં આવેલા માનવરહિત હવાઈ વાહને અટકાવ્યું. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અધિકારીઓ આ વિસ્તારમાં શોધખોળ કરી રહ્યાં હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.
સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, હુથી દળોએ આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી. અગાઉ, હુથી દળોએ વહેલી સવારે મધ્ય ઈઝરાયલ તરફ મિસાઇલ છોડ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેણે સંવેદનશીલ ઈઝરાયલી સ્થળોને નિશાન બનાવ્યા હતા. ઈઝરાયલી સૈન્યએ મિસાઇલને અટકાવ્યો હોવાનો દાવો કર્યો હતો.
અગાઉ, 26 સપ્ટેમ્બરના રોજ, યમનના હુથી જૂથે ઇઝરાયલ પર મિસાઇલ છોડવાનો દાવો કર્યો હતો. હુથી સંચાલિત અલ-મસિરાહ ટીવી પર પ્રસારિત થયેલા એક નિવેદનમાં, હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરિયાએ જણાવ્યું હતું કે તેઓએ ગુરુવારે રાત્રે દક્ષિણ તેલ અવીવના જાફા વિસ્તારમાં એક સંવેદનશીલ લક્ષ્ય તરફ હાઈપરસોનિક બેલિસ્ટિક મિસાઈલ છોડી હતી.
હવાઈ ટ્રાફિક અસ્થાયી રૂપે બંધ થઈ ગયો હતો, અને હજારો ઈઝરાયલી રહેવાસીઓને આશ્રય લેવાની ફરજ પડી હતી. હુથી લશ્કરી પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મિસાઈલ હુમલો ઈઝરાયલી દ્વારા ગાઝા પટ્ટીના પેલેસ્ટિનિયન પ્રદેશ પર આક્રમણ તેમજ કલાકો પહેલા યમનની રાજધાની સના પર ઈઝરાયલી હવાઈ હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો. હુથી બળવાખોરો લાંબા સમયથી ઈરાન દ્વારા સમર્થિત યમનની સરકાર સામે લડી રહ્યા છે. હુથી બળવાખોરોનો એક જૂથ પશ્ચિમી દેશોનો વિરોધ કરે છે અને તેમના રાજકીય અને લશ્કરી જોડાણનો વિરોધ કરે છે.