પશ્ચિમ બંગાળમાં ફટાકડા ફોડતી વખતે થયો ભયાનક વિસ્ફોટ, સાતના મોત
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના રાયપુર ધૌલહાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત પથ્થરપ્રતિમા-3 એન્ક્લોઝરમાં ગઈકાલે સોમવારે (31 માર્ચ, 2025) 9:30 આસપાસ એક મોટો વિસ્ફોટ થયો હતો. બંસતી પૂજા વખતે ફટાકડા ફોડતી વખતે દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં વિસ્ફોટ પછી આખા ઘરમાં આગ લાગી હતી. આ ગુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું સામે આવે છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
સ્થાનિક ધારાસભ્ય સમીર કુમાર જાનાએ જણાવ્યું હતું કે, 'વિસ્ફોટ પછી આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે તેણે આખા ઘરને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ થયો ત્યારે કેટલાક લોકો ઘરની અંદર હતા અને આગની લપેટમાં આવી ગયા હતા. બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અનેક લોકો ઘરની અંદર ફસાયા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યા છે અને બચાવ કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.'
સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યું છે, જેમાં એક ઘરમાં ભીષણ આગ અને નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં ઘરમાં વિકરાળ બનેલી આગ બચવા માટે લોકો ઝડપથી ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે કેટલાક અંદર ફસાયેલા ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બીજા એક વીડિયોમાં, મહિલાઓ રડી રહી છે અને પોતાના પ્રિયજનોને બચાવવા માટે વિનંતી કરી રહી છે.
પોલીસની જાણકારી અનુસાર, વિસ્ફોટના કારણે ઈજાગ્રસ્ત થયેલાં લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહી છે. આ ઘટના અંગે સ્થાનિક લોકો અને આસપાસના વિસ્તારના લોકોમાં ભારે શોકની લાગણી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, 'ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'