ગોવાના રસ્સાઈ ગામે શિપયાર્ડમાં ભયાનક વિસ્ફોટ: બે મજૂરોના મોત, ચાર ગંભીર રીતે ઘાયલ
મુંબઈ : ગોવાના રસ્સાઈ ગામ ખાતે આવેલા એક જહાજ નિર્માણ યાર્ડમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે ચાર અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે. ગોવા ફાયર સર્વિસના અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલ મજૂરોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત ગંભીર છે અને તબીબી સારવાર ચાલુ છે.
આ દૂર્ઘટનાની જાણ થતા અગ્નિશામક અને સુરક્ષા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત તેમજ બચાવ કામગીરી ચાલુ છે. પ્રાથમિક તપાસ મુજબ, શિપયાર્ડમાં આવેલ ગેસ સિલિન્ડરમાં આગ લાગતાં વિસ્ફોટ થયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અગ્નિશામક વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ સાંજે આશરે 6.30 વાગ્યે થયો હતો. જ્યારે ટીમ ત્યાં પહોંચી હતી. આ દૂર્ઘટનામાં બે શ્રમજીવીના મોત થયાં છે. જ્યારે ચાર અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. વિસ્ફોટ જહાજના નિર્માણ દરમિયાન, જહાજની અંદર જ થયો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પ્રશાસન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને વિસ્ફોટના મૂળ કારણો જાણવા પ્રયાસો ચાલુ છે.