ચેન્નાઈમાં ભીષણ દુર્ઘટના : 30 ફૂટ ઉપરથી આર્ચ ધરાશાયી થતા 9 શ્રમિકોના મોત
ચેન્નાઈ : તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના બની છે. ઉત્તર ચેન્નાઈ સ્થિત એનૉર થર્મલ પાવર સ્ટેશનના બાંધકામ સ્થળે આર્ચ (કમાન) ધરાશાયી થતાં 9 શ્રમિકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ ઘાયલ થયા છે. ઘટના દરમિયાન આશરે 30 ફૂટ ઊંચાઈથી કમાન તૂટી પડતાં અનેક સ્થળાંતરિત શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, મૃતકો તમામ આસામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્ટેનલી હોસ્પિટલ ખસેડાયા છે. ઈજાગ્રસ્તોને પણ ઉત્તર ચેન્નાઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત અત્યંત ગંભીર છે.
ચેન્નાઈ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલુ છે અને તપાસ શરૂ કરી દેવાઈ છે. તમિલનાડુ વિદ્યુત બોર્ડના સચિવ ડૉ. જે. રાધાકૃષ્ણને જણાવ્યું કે, પાવર સ્ટેશનમાં કુલ 3,700 જેટલા શ્રમિક કામ કરી રહ્યા હતા. સુરક્ષા અધિકારીઓ અને સંબંધિત ટીમો સ્થળ પર પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહિનામાં મદુરાઈના મટ્ટુથવાની બસ સ્ટેન્ડ પર કમાન તોડી પાડતી વખતે એક સમાન ઘટના બની હતી, જેમાં એક અર્થમુવર ઓપરેટરનું મોત થયું હતું અને એક કોન્ટ્રાક્ટર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ચેન્નાઈની આ દુર્ઘટનાએ ફરી એકવાર બાંધકામ સાઇટ પર સુરક્ષા ધોરણોને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે.