ગુજરાતભરમાં હર્ષોલ્લાસ સાથે હોલિકા પર્વની ઊજવણી, હોળીનો જવાળા જોઈને વરતારો
- અબાલાલ પટેલ કહે છે, આ વર્ષ આઠથી દશ આની રહેશે
- મુખ્યમંત્રી અમદાવાદમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા
- જામનગરમાં 25 ફૂટ ઊંચા હોલિકાના પૂતળાનું દહન કરાયું
અમદાવાદઃ ગુજરાભરમાં આજે હોળીકા પર્વની ભજવણી કરવામાં આવી હતી, અમદાવાદ સહિત શહેરોમાં દરેક સોસાયટીઓ, મહોલ્લાઓ, શેરીઓ અને પોળોમાં હોલિકા દહન બાદ લોકોએ હોળકાની પ્રદિક્ષણા કરી પૂજા અર્ચન કર્યું હતું. ગાંધીનગરના પાલેજમાં સૌથી ઊંચી હોલિકાનું દહન કરાયું હતુ. પાલેજમાં હોલિકા દહન સમયે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પણ લોકોએ હર્ષોલ્લાસ સાથે હોલિકા પર્વની ઉજવણી કરી.
રાજ્યમાં હોળીકાની જવાળા જોઈને વર્ષ કેવું નિવડશે, કેટલો વરસાદ પડશે, એની આગાહી કરવામાં આવતી હોય છે. હોળીના દિવસે વર્ષા વિજ્ઞાન મુજબ વર્ષનો વરતારો આપવાની પણ પ્રથા ચાલી આવી છે. ત્યારે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પાલેજમાં હોળીનું અને પવનની દિશાનું નિરીક્ષણ કરી વરતારો આપ્યો હતો. અંબાલાલે કહ્યું હતું કે, પવનની દિશા જોતા આ વર્ષ આઠથી દસ આની રહેવાની શક્યતા છે. હોળીની જ્વાળાઓ આપણને ઘણા સંકેત આપતી હોય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં થલતેજ ખાતે આવેલ ખુલ્લા પ્લોટમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા હતા. ભૂપેન્દ્ર પટેલે વૈદિક હોળીનું પૂજન કરી દર્શન કર્યા હતા. આ પાવન પ્રસંગે પ્રજાજનો માટે પ્રાર્થના કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણો દેશ સંસ્કૃતિ સાથે જોડાયેલો દેશ છે. આપણે સૌ એક સાથે મળી આપણી સંસ્કૃતિને સાથે લઈ હોળીના તહેવારની ઉજવણી કરીએ અને આવતીકાલે ધુળેટીના અવસરે પ્રાકૃતિક રંગોથી રંગાઈને ઉજવણી કરીએ, તેવી તેમણે અપીલ કરી હતી. સાથે જ પ્રજાજનોનું સ્વાસ્થ્ય નિરોગી રહે અને તેમના જીવનમાં સુખકારી વધે તેવી પ્રાર્થના કરી હતી.
દ્વારકામાં પણ ફૂલડોળ ઉત્સવને લઈ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા છે ત્યારે ગોમતી કિનારે સરકારી હોળીનું દહન કરાયા બાદ શહેરમાં અલગ અલગ સ્થળ પર હોલિકા દહન કરાયું હતું. ગોમતીઘાટ અને મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ડાકોરમાં પણ ફુલડોલોત્સવ ઉત્સવને લઈ ભાવિકો ઉમટી પડ્યા છે. મોટાભાગના પદયાત્રિઓ ડાકોર પહોંચી ગયા છે.
રાજકોટ અને ભાવનગરમાં પણ હોલિકા દહનના દર્શ માટે લોકો ઉમટી પડ્યા હતા, જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા યોજાતા હોલિકા મહોત્સવમાં હોલિકાના 25 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરાયું હતું. આ સમયે હજારોની સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં વર્ષોથી ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા અનુસાર હોલિકા મહોત્સવનું આયોજન થાય છે.