મુંબઈમાં હોર્ડિંગ ઘટનાઃ સાત મહિનાથી ફરાર મુખ્ય આરોપી લખનૌથી ઝડપાયો
મુંબઈ: ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં છેલ્લા સાત મહિનાથી નાસતો-ફરતો મુખ્ય આરોપી અરશદ ખાન લખનૌથી ઝડપાયો હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 13 મેના રોજ, ભારે પવન અને વરસાદ વચ્ચે ઘાટકોપર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક વિશાળ ગેરકાયદેસર હોર્ડિંગ તૂટી પડતાં 17 લોકોનાં મોત થયાં હતાં અને 80થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. પોલીસ અધિકારીએ કહ્યું કે તપાસ દરમિયાન ખબર પડી કે હોર્ડિંગ્સ લગાવનાર ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડે અરશદ ખાન સાથે જોડાયેલા કેટલાક લોકોના બેંક ખાતામાં 82 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમણે કહ્યું કે ખાન ભૂતપૂર્વ સરકારી રેલવે પોલીસ (જીઆરપી) કમિશનર કૈસર ખાલિદની પત્નીનો બિઝનેસ ભાગીદાર હતો. પોતાનું પ્રારંભિક નિવેદન નોંધાવ્યા બાદ આરોપી ખાન કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT) સમક્ષ હાજર થયો ન હતો.
અધિકારીએ કહ્યું કે પોલીસ છેલ્લા કેટલાક મહિનાઓથી ખાનને શોધી રહી હતી, પરંતુ તે પોતાનું સ્થાન બદલતો રહ્યો. તેમણે કહ્યું કે આખરે આરોપી ખાનની લખનૌથી ધરપકડ કરવામાં આવી હતી. ખાલિદ સરકારી રેલ્વે પોલીસ કમિશનર હતા જ્યારે GRP જમીન પર હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી આપવામાં આવી હતી અને કથિત ક્ષતિને કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઈગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડના બેંક ખાતાઓથી લઈને ખાન સાથે સંકળાયેલા લોકોના ખાતામાં અનેક વ્યવહારો થયા હતા. પોલીસે અગાઉ દાવો કર્યો હતો કે ખાલિદ જીઆરપી કમિશનર હતા ત્યારે આમાંથી મોટાભાગના વ્યવહારો થયા હતા.