પાલનપુર હાઈવે પર હીટ એન્ડ રન, કારે ત્રણ રાહદારીઓને એડફેટે લીધા, મહિલાનું મોત
- અકસ્માત બાદ કાર સાથે તેનો ચાલક નાસી ગયો,
- કારચાલકે ઓવરટેક કરતા રોડ સાઈડ પર ચાલી રહેલા રાહદારીઓને અડફેટમાં લીધા,
- પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
પાલનપુરઃ શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર હનુમાન ટેકરી પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પુરઝડપે જતી કારના ચાલકે ઓવરટેક કરવાની લાયમાં રોડની સાઈડમાં ચાલીને જતા ત્રણ રાહદારીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં દૂધ લેવા નીકળેલા એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા ભારતીબેન હસમુખલાલ ઠક્કર વહેલી સવારે સ્વસ્તિક સ્કૂલ પાસે આવેલી દુકાને દૂધ લેવા માટે જઈ રહ્યા હતા. તે જ સમયે એરોમા સર્કલ તરફથી પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકે આગળ જતા ભારે વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાબૂ ગુમાવતાં કારચાલકે રોડની સાઈડમાં જઈ રહેલા ભારતીબેન ઠક્કર તેમજ રમેશભાઈ હિરાભાઈ રાવળ અને રાકેશભાઈ યોગી નામના અન્ય બે રાહદારીઓને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે ત્રણેય રાહદારીઓ ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં ભારતીબેન ઠક્કરને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રમેશભાઈ અને રાકેશભાઈને ઈજાઓ થતાં તેમને તાત્કાલિક 108 અથવા અન્ય વાહન મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જીને કારચાલક પોતાની ગાડી લઈને ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે શહેર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી, ફરાર ચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પાલનપુર પંથકમાં વાહનોની બેફામ ગતિને કારણે અવારનવાર નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.