For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ટાટા ઈન્સ્ટિટ્યૂટમાં સર્જાયો ઈતિહાસઃ સૌપ્રથમવાર જૈનાચાર્યનું 'વૈશ્વિક ભેદભાવના મૂળ કારણો' વિષયક પ્રવચન યોજાયું

08:35 PM Feb 14, 2025 IST | revoi editor
ટાટા ઈન્સ્ટિટ્યૂટમાં સર્જાયો ઈતિહાસઃ સૌપ્રથમવાર જૈનાચાર્યનું  વૈશ્વિક ભેદભાવના મૂળ કારણો  વિષયક પ્રવચન યોજાયું
Advertisement

મુંબઈઃ ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સ, મુંબઈમાં પહેલ વહેલીવાર એક જૈનાચાર્યનું પ્રવચન યોજાયું. ભગવાન મહાવીરના ૭૯માં વારસદાર, જૈનાચાર્ય શ્રીયુગભૂષણસુરીશ્વરજી મહારાજા (પંડિત મ.સા.)નું, 'વર્તમાન વર્લ્ડ ઓર્ડરમાં ભેદભાવના મૂળ કારણો' વિષયક માર્મિક પ્રવચન થયું હતું જેમાં અનેક બુદ્ધિજીવી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જૈનાચાર્યશ્રીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, વર્તમાનમાં દરેક ક્ષેત્રોમાં જે ભેદભાવપૂર્ણ નીતિઓનું પ્રદૂષણ ફેલાઈ ચૂક્યું છે, તેના મૂળિયા બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમી દેશો દ્વારા સ્થાપિત કરાયેલી વિશ્વ વ્યવસ્થામાં છે. તેમણે વ્હાઈટ સુપ્રીમેસી (ગોરાઓની સર્વોપરિતા) સ્થાપિત કરવા માટે પ્લાનિંગ પૂર્વક કૃત્રિમ ગરીબી અને પછાતપણું અશ્વેત પ્રજામાં ફેલાવ્યું છે. જેને કારણે ગરીબ અને પછાત દેશો સાથે વધુમાં વધુ ભેદભાવ કરી શકાય અને તે પ્રજાનુ અમાપ શોષણ થઈ શકે.

Advertisement

તેમણે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે ૧લી માર્ચને યુનોએ 'ઝીરો ડીસ્ક્રીમીનેશન ડે' તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. પરંતુ યુનો - યુનેસ્કો વગેરે જેટલી પણ મલ્ટીલેટરલ સંસ્થાઓ છે, તેમાં ભેદભાવ અને પક્ષપાતનો કોઈ પાર જ નથી. ઉલ્ટું, તે બધા ભેદભાવોને ઢાંકી દેવા માટે તુચ્છ ભેદભાવોને આગળ કરવામાં આવે છે. જેથી મૂળ ભેદભાવો સુધી લોકોની નજર ન પહોંચે. જૈનાચાર્યશ્રીએ આ વિષયમાં ઘણા દાખલા દલીલો સાથે લગભગ પોણા બે કલાક સુધી વિશદ છણાવટ કરી હતી. તેમણે આ સમસ્યાના સમાધાન તરફ દિશાનિર્દેશ કરતા જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી આવા કાતિલ ભેદભાવો અંગેની જાગૃતિ ફેલાવે, તો ભવિષ્યમાં ઘણા સુંદર પરિણામો આવી શકે છે.

Advertisement

આ પ્રસંગે નિરંજન હિરાનંદાની (MD, હિરાનંદાની ગ્રુપ), દિલીપ દેરાઈ (એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર, રિલાયન્સ ગ્રુપ), ડો. ભાસ્કર શાહ (પ્રસિદ્ધ કાર્ડિયોલોજીસ્ટ), ધવલ શાહ અને હાર્દિક દેઢિયા (કો-ફાઉન્ડર, ફાર્મઈઝી) વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તથા ગચ્છાધિપતિ જૈનાચાર્યશ્રીની ઉંડી દૃષ્ટિની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.  આયોજક સંસ્થા ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સ પણ ખૂબ સુંદર સહકાર આપ્યો હતો. ટાટા ઈન્સ્ટિટ્યૂટ ખાતે જૈનાચાર્યશ્રીનું લાંબુ વિઝન દર્શાવતું એક exhibition યોજાયું હતું. જેમાં વૈશ્વિક સમસ્યાઓના નિરાકરણ માટે માર્મિક માર્ગદર્શન અપાયું હતું.

જૈનાચાર્યશ્રીના માર્ગદર્શનથી ચાલી રહેલ જ્યોત સંસ્થા દ્વારા “વસુધૈવ કુટુંબકમ્ કી ઓર સંવાદ”નું આયોજન થાય છે. તેની અંતર્ગત આ સેમીનારનું આયોજન ટાટા ઈન્સ્ટિટ્યૂટમાં થયું હતું. મુંબઈ, અમદાવાદ અને મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે ઉપરોક્ત સંવાદોનું આયોજન થઈ ચૂક્યું છે. દેશના કાયદાકીય નિષ્ણાતો, કોર્પોરેટ આગેવાનો, પોલીસીના ધડવૈયાઓ વગેરે બુદ્ધિજીવીઓને જૈનાચાર્યશ્રી સાથે સંવાદ કરવાનું પ્લેટફોર્મ 'વસુધૈવ કુટુંબકમ્ કી ઓર સંવાદ'માં પૂરું પડાય છે. ન્યાયી વિશ્વ વ્યવસ્થા પ્રસ્થાપિત કરવાના ઉપાયોની વિચારણા કરવાના લક્ષ્યથી આ સંવાદોનું આયોજન થાય છે

Advertisement
Tags :
Advertisement