એમનું મૈત્રીપૂર્ણ નિખાલસ હાસ્ય અને લાગણીશીલ શબ્દો આજે પણ કાનમાં પડઘાય છે
ભગીરથભાઈ એક એવું નામ કે જેને મુદ્રણની દુનિયાના નાના-મોટા સૌ કોઈ આદર અને સન્માનપૂર્વક લે છે. એમનું બહુવિધ વ્યક્તિત્વ એટલું દમદાર હતું કે, મુદ્રણ ક્ષેત્ર હોય કે સમાજ સેવાનું, શિક્ષણનું ક્ષેત્ર હોય કે પ્રવાસનનું એમણે પ્રત્યેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને આગવું પ્રદાન કર્યું છે. હું ઘણીવાર કહેતો હોંઉ છું કે, ભગીરથભાઈ મુદ્રણ ક્ષેત્રના ચાણક્ય છે. જેમ ચાણક્યએ સત્તાના મદમા છકી ગયેલા રાજવીની શાન ઠેકાણે લાવવા શિક્ષણનું શસ્ત્ર ઉપયોગમાં લીધું હતું એમ ભગીરથભાઈએ મુદ્રણના શિક્ષણનો સદુપયોગ કરીને કેટલાય મુદ્રણ નિષ્ણાતો આપ્યા છે. મુદ્રણને વ્યવસાય કરતાં ક્યાંય વધારે કલાનો દરજ્જો આપી શકાય એ કક્ષાએ ભગીરથભાઈએ નિષ્ઠા અને લગનપૂર્વક એમના વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે.
મને બરાબર યાદ છે કે, માહિતી ખાતામાં હું ફરજ બજાવતો એ વેળા બે અઢી દાયકા પૂર્વે મને પ્રકાશન વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. એ સમયે મારા વડીલ મિત્ર અને સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી નિયામક, રાવલ સાહેબ સાથે હું અવારનવાર પ્રકાશનના કામ અર્થે જતો અને ચા પીતા પીતા મુદ્રણ જગતમાં આવી રહેલા પરિવર્તનો સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરતો.
એકવાર હું અને રાવલ સાહેબ કોઈ આવા જ વિષય ઉપર ચર્ચા કરતા હતા ત્યારે એમની ચેમ્બરનો દરવાજો ખુલ્યો અને સ્મિત વદને પહાડી અવાજમાં ' રાવલ સાહેબ આવું કે... 'શબ્દો મારા કાને અથડાયા.
મે સહજ રીતે જ પાછું વળીને જોયું તો લગભગ છ ફૂટની કદાવર કાયા, જાડી બ્લેક ફ્રેમના ચશ્મા અને મોઢા ઉપર નિખાલસ હાસ્ય સાથે હાથમાં એક ફોલ્ડર પકડીને એક સજ્જન દેખાયા. રાવલ સાહેબે ઉમળકાથી કહ્યું, ‘આવો...આવો... ભગીરથભાઈ. અમે ચા મંગાવી છે. તમે સરસ સમયે આવ્યા છો. ચાલો અમારી સાથે જોડાઈ જાવ.’
ભગીરથભાઈ અંદર આવીને મારી બાજુની ચેરમાં ગોઠવાઈ ગયા. મારો એમની સાથે કોઈ પરિચય ન હતો છતાં પણ અત્યંત મૃદુતાથી મને નિહાળીને નિખાલસ સ્મિત સાથે એમણે મારી સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, 'હું ભગીરથ.'
મેં પણ પ્રત્યુત્તર આપ્યો, ‘હું પુલક.’
ત્યારે રાવલ સાહેબે કહ્યું, ‘તમે બન્ને પહેલાં નથી મળ્યા ?’
મેં કહ્યું, ‘ના. અમે અગાઉ ક્યારે મળ્યા નથી પણ મેં એમનું નામ સાંભળ્યું છે.’
વચ્ચે ભગીરથભાઈએ પણ ટાપસી પુરી કે, ‘ખરી વાત છે. અમે અગાઉ રૂબરૂ મળ્યા નથી. પણ મેં પણ એમનું નામ સાંભળ્યું છે.’
રાવલ સાહેબે અમારા બંનેનો પરિચય કરાવ્યો. અઢી દાયકા પૂર્વે આ મારી ભગીરથભાઈ સાથેની પ્રથમ મુલાકાત. પછી તો આ પરિચય ક્રમશઃ પ્રગાઢ દોસ્તીમાં પરિણમ્યો. એ સમયે ભગીરથભાઈ આર.સી. ટેકનિકલ કોલેજમાં પ્રિન્ટિંગ વિભાગના સિનિયર પ્રોફેસર હતા. પાછળથી એ પ્રિન્ટિંગ વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે સેવા નિવૃત્ત થયા. એમના કાર્યકાળમાં એમણે સેકડો વિદ્યાર્થીઓને મુદ્રણ કળાનું જ્ઞાન આપ્યું. આજે ગુજરાતની કોઈપણ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં જઈએ તો, ભગીરથભાઈનો કોઈને કોઈ વિદ્યાર્થી અવશ્ય જોવા મળે.
માહિતી ખાતાના પ્રકાશનો મોટાભાગે સરકારી પ્રેસમાં જ મુદ્રિત તથા પરંતુ જ્યારે સરકારી પ્રેસ પાસે કામનું ભારણ વધારે હોય ત્યારે કોઈક વાર પ્રકાશન કામગીરી સરકારી પ્રેસ સિવાય બીજા મુદ્રક પાસે મુદ્રિત કરાવવાની આવશ્યકતા ઉભી થતી. આવા સંજોગોમાં સરકારી ટેન્ડર કમિટીમાં પ્રિન્ટિંગના નિષ્ણાત તરીકે ભગીરથભાઈ હોય એટલે તમામ બાબતો ચીવટાઈપૂર્વક જોવાય અને મુદ્રણનુ કાર્ય સરળતાથી પાર પડી જતું. એમના વિશાળ અનુભવને કારણે પ્રિન્ટિંગની ઝીણી ઝીણી બાબતો પણ સરસ રીતે આવરી લેવાતી. વરિષ્ઠ અધિકારીઓને ભગીરથભાઇ હોય એટલે ખાસ્સી નિરાંત રહેતી.
પ્રિન્ટિંગ ટેકનોલોજી અને શિક્ષણ ઉપરાંત ભગીરથભાઈના વ્યક્તિત્વનું એક પાસુ એવું પણ હતું કે, જે સૌ કોઈને સ્પર્શી જતું. એ પાસું હતું એમની નિખાલસતા. એમણે ક્યારેય કોઈ વાતને ગોળ ગોળ ફેરવી હોય કે છુપાવી હોય એવો એક પણ પ્રસંગ મારી જાણમાં નથી. મુદ્દાને સ્પષ્ટ રીતે મૂકવામાં એમની અદભુત માસ્ટરી હતી. એ વાતને સ્પષ્ટ રીતે જરૂર કહેતા પણ એમની વાતમાં સૌજન્યશીલતાનો લોપ ક્યારેય જોવા ન મળતો. જે બાબતમાં ‘ના’ પાડવાની હોય ત્યાં સ્પષ્ટતા સાથે નકારવાની અને એના તર્ક આપવાની ભગીરથભાઇ પાસે શક્તિ હતી. જ્યા ‘હા’ પાડવાની હોય ત્યાં એ પળનો પણ વિલંબ કર્યા વગર ‘હા’ કહી શકતા હતા.
ભગીરથભાઈની કામ કરવા માટેની તત્પરતા અને કુનેહને દાદ આપવી પડે. સેઅવા નિવૃત્તિ બાદ કેન્સરની અસાધ્ય બીમારીનો પણ એમણે હસતા મ્હોએ મુકાબલો કર્યો. એક સપ્તાહ પહેલા કેન્સરની કિમો થેરાપીનો રાઉન્ડ પૂરો થયો હોય અને એ એમના ચીરપરિચિત સ્મિત સાથે મિટિંગમાં હાજર હોય. મિટિંગના અન્ય સદસ્યોને કલ્પના પણ ન આવે કે ભગીરથભાઈ એક સપ્તાહ પહેલા હોસ્પિટલની પથારીમાં હતા. એમની કામ માટેની નિષ્ઠા અને તત્પરતા પ્રેરણાદાયી હતી.
સમાજના વિકાસ માટે તેમણે આજીવન જબરજસ્ત પુરુષાર્થ કર્યો છે. એમણે સમાજના બે મેગેઝીનોનું વર્ષો સુધી સંપાદકીય કાર્ય કર્યું. અનેક સર્જક મિત્રો પાસેથી એમણે મિત્રતાના દાવે અધિકારથી પ્રેરણાદાયી લેખો લખાવી એમના સમાજના મેગેઝીનમાં પ્રકાશિત કરવાનો ઉપક્રમ જાળવી રાખ્યો. આ માધ્યમથી એમણે સમાજમાં જાગૃતિ અને ઊર્દ્વગામી ચેતના બળવત્તર બનાવવા ખૂબ પરિશ્રમ કર્યો હતો. એનો હું તાજનો સાક્ષી છું. એમના સમાજના મેગેઝીનો માટે મારી પાસે પણ પ્રેરણાદાયી લેખો માટે એ સતત આગ્રહ રાખતા અને હું એમને સમયસર લેખો આપવાનો ઉપક્રમ જાળવતો.
એમના જેવી વિનમ્રતા અને સહજતા મેં બહુ ઓછા લોકોમાં જોઈ છે. એમના વ્યક્તિત્વની સૌથી મોટી ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે, મોટા હોય કે નાના જેને પણ એ મળતા ત્યારે મળનાર પ્રતિ એમનો વ્યવહાર અત્યંત આત્મીય અને સૌજન્યશીલ રહેતો. એમને જે પણ મળે એ હળવા ફૂલ થઈ જતા. એમની હાજરીનો ભાર ક્યારેય ન વર્તાય. જે કોઇ પણ એકવાર ભગીરથભાઇને મળે એ હંમેશ માટે એમનો મિત્ર બની જતો. એમનુ વ્યક્તિત્ત્વ ચુંબકીય હતું.
હું અંગત રીતે માનું છું કે ભગીરથભાઈ પટેલ કોઈ વ્યક્તિ નહીં એક આખે આખી યુનિવર્સિટી હતા. એમની પાસે શિક્ષણવિદ, સામાજિક કાર્યની નિષ્ઠા, વ્યવહાર કુશળતા, વાણીની શાલીનતા, વિચાર વૈભવ, મુદ્રણની માસ્ટરી કેટ કેટલી ખુબીઓ ઇશ્વરે ભગીરથભાઇને આપી હતી. એમનું વ્યક્તિત્વ પ્રેરણાના સાગર જેવું લાગે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા હોવા છતાં ભગીરથભાઈ સ્વયમ એક મહાસાગર જેવા હતા. લોકો ક્ષમતા અનુસાર એમના સદગુણો અને અનુભના ભાથામાંથી ઉલેચી લેતા.
એમણે સમયને પણ સર કરીને સમયાતીત વિહાર કરીને વિવિધ ક્ષેત્રોને ઉજાગર કર્યા છે. કેન્સર જેવી બીમારીમાં પણ મુક્ત રીતે વિહરતા, હસતા, ખેલતા ભગીરથભાઈનું નામ સાંભળતા જ હૃદયમાં સ્નેહ અને ઊર્જાનો સહજ સંચાર થઈ જાય. એમણે સ્વકેન્દ્રિત નહીં પણ સર્વ કેન્દ્રિત કાર્યોની મહેક એમના જીવનકાળમાં પ્રસરાવી છે. એમની પરોપકારી ભાવના હૃદયને સ્પર્શી જાય એવી છે. સમય સાથે તાલ મિલાવીને ચાલવાની એમની આગવી શૈલી હતી. લાગણીશીલ પતિ, વાત્સલ્યપૂર્ણ પિતા, સ્નેહાળ મિત્ર, માર્ગદર્શક સામાજિક આગેવાન એવા ભગીરથભાઈના દેહાવસાનના એક વર્ષ પછી આજે પણ જાણે ભગીરથભાઈ આસપાસ જ હોય એમ લાગે છે. એમનું મૈત્રીપૂર્ણ હાસ્ય અને લાગણીશીલ શબ્દો આજે પણ કાનમાં પડઘાય છે.