For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

“હીન્દુનો અસલ ધરમ..” અને કરસનદાસનો પુનર્જન્મ!

08:00 AM Jun 23, 2024 IST | revoi editor
“હીન્દુનો અસલ ધરમ  ” અને કરસનદાસનો પુનર્જન્મ
Advertisement

(પ્રો. (ડૉ). શિરીષ કાશીકર)

Advertisement

“હીન્દુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો”.ના,આ મથાળું કરસનદાસ મૂળજીએ આજથી ૧૬૪ વર્ષ પહેલાં લખેલા લેખને પુન:પ્રસિદ્ધ કરવા માટે અહી નથી મૂક્યું. કરસનદાસ મૂળજીના આ મથાળાવાળા લેખે પ્રસિદ્ધ મહારાજ લાયબલ કેસને જન્મ આપ્યો અને પત્રકારત્વમાં કરસનદાસને અમર બનાવી દીધા.આ જુના લેખનું જૂનું મથાળું રાખીને પોસ્ટનો પ્રારંભ કરવાનુ કારણ એ છે કે ૧૬૪ વર્ષ બાદ,કરસનદાસ અને તેમના સાથીઓના અતુલનીય સંઘર્ષ પછી પણ સનાતની હિન્દુઓની માનસિકતામાં કોઈ બહુ મોટું પરિવર્તન આવ્યું હોય એવું લાગતું નથી.ઊલટું લોકો વધુ કર્મકાંડો અને ક્રિયાકાંડો તરફ જઈ રહ્યા છે.સનાતની હિન્દુઓને જે વિષચક્રમાંથી બહાર કાઢવા આ વિરલાઓ જીવનભર લડતા રહ્યા, દુર્ભાગ્યે આધુનિક હિંદુ સમાજ કદાચ ફરી એ તરફ જ જઈ રહ્યો છે.ગેરમાન્યતાઓ, રુઢિઓ, કુરિવાજોનું સ્વરૂપ અગાઉની સરખામણીએ થોડુંબદલાયું હશે પણ સનાતની સમાજ દિવસે દિવસે વધુ રૂઢિચુસ્ત બની રહ્યો હોય એવા લક્ષણો દેખાય છે. એટલું જ નહીં નાની-નાની વાતે વિધર્મીઓના ઉદાહરણો લાવીને સૈકાઓથી અનેક આક્રમણો સામે અડીખમ રહેલા હિન્દુ ધર્મને કટ્ટરતા તરફ લઈ જવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

આમ તો ‘મહારાજ’ ફિલ્મનો વિવાદ થયો એટલે મે સોશિયલ મીડિયા પર કરસનદાસ મૂળજી વિશે બહુ વધારે લખવાનું ટાળ્યું હતું પણ જ્યાં જરૂરી હતું ત્યાં મારો મત ચોક્કસ પ્રગટ કરેલો. ગઈકાલે ગુજરાત હાઇકોર્ટની ફિલ્મને ક્લીનચિટ બાદ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ.મારા સહિત ઘણા લોકોએ નિહાળી પણ ખરી અને તેના સારાનરસા પાસાઓની ચર્ચા પણ ચાલુ થઈ ગઈ છે.પણ મારો ઈરાદો અહીં ફિલ્મ વિશે લખવાનો નથી અંતે તો એ મનોરંજન માટે બનેલી કૃતિ છે. મારે વાત કરવી છે.તથ્યોની, વાસ્તવિકતાની જેના પર પત્રકારત્વનો તંબુ હંમેશા અડીખમ ઊભો રહે છે.

Advertisement

ફિલ્મના વિવાદ દરમિયાન જે લોકો તેના વિરોધમાં હતા એમણે ઘણા બધા તથ્યોને ચકાસ્યા વગર કરસનદાસને અંગ્રેજોના પિઠ્ઠું અને હિન્દુ ધર્મ છેદક જેવા વિશેષણોથી નવાજ્યાં. મહારાજ લાયબલ કેસને એક સંપ્રદાય વિરુદ્ધ અંગ્રેજો અને અંગ્રેજી કેળવણી પામેલા તત્કાલીન બુદ્ધિજીવીઓનું ષડયંત્ર ગણાવી દીધું.માન્યું કે અંગ્રેજોએ ભારતમાં પગપેસારો કરવા સામ, દામ, દંડ, ભેદની નીતિઓ અપનાવેલી પરંતુ અંગ્રેજી શિક્ષણ મેળવનારા અને તત્કાલીન સમાજ કરતાં થોડું જુદું વિચારનારા પ્રગતિશીલ લોકો અંગ્રેજોના પિઠ્ઠુ હતા એવું કહીએ તો આ દેશના આઝાદી પૂર્વેના અને આઝાદી પછીના મોટાભાગના નર-નારીરત્નો પર એ આરોપ લાગી જાય અને એમાં સ્વામી વિવેકાનંદ અને ગાંધીજી પણ આવી જાય અને લોકમાન્ય તિલક પણ આવી જાય.

ચોક્કસપણે ૧૯મી સદીના ગુજરાતમાં સમાજસુધારાની પ્રવૃત્તિમાં ક્યાંક અતિરેક પણ થયેલો અને અમદાવાદ જેવા શહેરોમાં ઘણા યુવાનોએ ખ્રિસ્તી ધર્મ અપનાવેલો. કેટલાક ગૌ માંસાહાર અને દારૂ જેવી બદીઓના માર્ગે જતા રહેલા જેના પર પણ મણિલાલ જેવા સુધારકોએ ઉહાપોહ પણ કરેલો પરંતુ આવી છૂટક ઘટનાઓને બાદ કરતા સનાતન હિંદુ સમાજમાં પ્રસરેલી રૂઢિઓને, બદીઓને મહદ અંશે દૂર કરવામાં સમાજસુધારકોને સફળતા મળેલી.આજે આધુનિક હિંદુ સમાજમાં જે કંઈ મૂળભૂત,ચિરંતન મુક્ત વિચારસરણી અને મૂલ્યો દેખાય છે તેની પાછળ આ સુધારકોની જીવનભરની જહેમત પણ એક મહત્વનું પાસું છે. તેમના પ્રતાપે સનાતની સમાજે પોતાની ગાઢ નિદ્રામાંથી આંખ ખોલી,પોતાની શક્તિઓ અને નિર્બળતાઓને ઓળખીને સડો દૂર કર્યો અને મજબૂતી પ્રાપ્ત કરી.

જ્યારે ફિલ્મનો વિવાદ થયો ત્યારે પણ મેં કહેલું કે માત્ર પોસ્ટર કે ટીઝરના આધારે ફિલ્મને મુલવવી કે તેના કારણે સનાતનને નુકસાન થઈ જશે એવું માનવું એ મોટી ભૂલ હશે. જો કોઈ એક સમાજ કે સંપ્રદાયમાં સડો હતો તો હતો. જો એ સડો વકરી ગયો હોત તો એ સંપ્રદાયનું નામોનિશાન મિટાવી દેત પણ કરસનદાસ અને સાથીઓની હિંમતને કારણે સાફસૂફી શક્ય બની.જે લોકોએ કરસનદાસ કે નર્મદનો અભ્યાસ નથી કર્યો એમની જાણકારી માટે કે સમાજસુધારાના ભાગરૂપે એમણે માત્ર મહારાજો જ નહીં પણ અન્ય સંપ્રદાયોના ધર્મગુરુઓ પર પણ ચાબખા વીંઝયા હતા.નર્મદે તો ખાસ.વર્તમાન સમયમાં આપણી આસપાસ જે થઈ રહ્યું છે અને ભગવાધારીઓ દ્વારા થતા જાતીય દુર્વ્યવહારની ઘટનાઓ સામે આવી રહી છે એ જોતા કરસનદાસ અને અન્ય સમાજ સુધારકોએ જે કર્યું એ કદાચ થોડું ઓછું પડ્યું હોય એવું હવે લાગી રહ્યું છે.

https://x.com/journogujarati/status/1804346080689078703?s=08

મહારાજ લાયબલ કેસ જીત્યા બાદ કરસનદાસનો ચારેતરફ જય જયકાર થયો અને દેશ-વિદેશના છાપાઓએ એમને બિરદાવ્યા.બાદમાં એવી હવા ઊભી થઈ કે કરસનદાસ હવે “નવું મંદિર” બનાવશે ત્યારે તેમણે સ્પષ્ટ કહેલું કે મારો ઇરાદો કોઈ નવો સંપ્રદાય કે મંદિર બનાવવાનો ક્યારે હતો જ નહીં. હું અને અન્ય હજારો લોકો જેનામાં આસ્થા ધરાવીએ છીએ તેવા સંપ્રદાયમાં પેસેલી બદીઓ દૂર કરવી એ જ મારું લક્ષ્ય હતું. મહારાજો વલ્લભાચાર્યના મૂળ સિદ્ધાંતોને વળગી રહે તો આ સંપ્રદાય ભક્તિનો અનન્ય માર્ગ છે જ.એટલે જ કરસનદાસના બાયોગ્રાફર બી. એન. મોતીવાલા જ્યારે તેમને ભારતના ‘માર્ટિન લુથર’ કહે છે ત્યારે જાણ્યે અજાણ્યે તેઓ કરસનદાસના આ મહાન કાર્યનું અવમૂલ્યન કરે છે. માર્ટીન લૂથરે નવા ચર્ચની સ્થાપના કરી અને કેથોલિક ચર્ચને હચમચાવ્યું. કરસનદાસને માત્ર સંપ્રદાય અને સમાજમાં ફેલાયેલી બદીઓ દૂર કરવામાં રસ હતો જે કામ એમણે આજીવન કર્યું.

એક કુશળ શિક્ષક, સમાજ સુધારક, પ્રશાસક, લેખક, નિબંધકાર, પત્રકાર એવા આ મહાન આત્મા પર હજુ વિશેષ કામ થવું જોઈએ. ફિલ્મો તો આવતી જતી રહેશે પણ કરસનદાસનો દર પેઢીએ પુનર્જનમાં થવો જોઈએ.ભાવિ પેઢીના પત્રકારો માટે તો ખાસ.કારણકે તો જ હજુ પણ સમાજમાં વ્યાપ્ત પાખંડી મતોનું ખંડન થતું રહેશે અને હિન્દુઓ “અસલ ધરમ” તરફ પાછા વળશે,શું કહો છો?

(આ આર્ટીકલ લખનાર  પ્રો. (ડૉ). શિરીષ કાશીકર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના ડાયરેક્ટર છે)

Advertisement
Tags :
Advertisement