બાંગ્લાદેશમાં હિન્દુ સંત ચિન્મય દાસને જામીન મળ્યા, 5 મહિનાથી જેલમાં હતા
બાંગ્લાદેશ હાઈકોર્ટે જેલમાં બંધ હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા છે. ચિન્મયના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ 23 એપ્રિલે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. ચિન્મય કૃષ્ણ દાસ ઇસ્કોનના પૂજારી અને બાંગ્લાદેશ સમિક સનાતની જાગરણ જોતના પ્રવક્તા છે.
25 નવેમ્બર 2024ના રોજ ઢાકા એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ, ચિન્મય દાસને દક્ષિણપૂર્વીય બંદર શહેર ચિત્તાગોંગની એક કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બીજા દિવસે તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેમના પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ હતો.
2 જાન્યુઆરી 2025 ના રોજ ચિત્તાગોંગની નીચલી કોર્ટે તેમની અરજી ફગાવી દીધી, ત્યારબાદ તેમણે હાઈકોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી. ફેબ્રુઆરી 2025 માં, હાઈકોર્ટે બાંગ્લાદેશ સરકારને પૂછ્યું હતું કે ચિન્મય કૃષ્ણ દાસને જામીન કેમ ન આપવા જોઈએ.
ચિન્મય દાસના વકીલે શું કહ્યું?
અહેવાલ મુજબ, ચિન્મય કૃષ્ણ દાસના વકીલ પ્રોલાદ દેબ નાથે જણાવ્યું હતું કે હાઇકોર્ટના આદેશ બાદ તેમને જેલમાંથી મુક્ત થવાની અપેક્ષા છે. જો સુપ્રીમ કોર્ટ આ નિર્ણય પર સ્ટે નહીં આપે તો ચિન્મય દાસને મુક્ત કરવામાં આવશે. ચિન્મય દ્વારા દાખલ કરાયેલી જામીન અરજીની સુનાવણી બાદ જસ્ટિસ મોહમ્મદ અતૌર રહેમાન અને જસ્ટિસ મોહમ્મદ અલી રઝાની બેન્ચે આ આદેશ આપ્યો.
અહેવાલ મુજબ, 23 એપ્રિલના રોજ, ચિન્મય દાસના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ હાઇકોર્ટ બેન્ચને તેમના અસીલને જામીન આપવા વિનંતી કરી હતી, અને કહ્યું હતું કે ચિન્મય બીમાર છે અને સુનાવણી વિના જેલમાં પીડાઈ રહ્યો છે. ગયા વર્ષે 31 ઓક્ટોબરના રોજ, ચિત્તાગોંગ મોહોરા વોર્ડ બીએનપીના ભૂતપૂર્વ મહાસચિવ ફિરોઝ ખાને કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.