હિન્દી ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
નવી દિલ્હીઃ કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'લાપતા લેડીઝ' આ વર્ષે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ફિલ્મને ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. હાલમાં જ કિરણ રાવે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તેની ફિલ્મ 'લાપતા લેડીઝ' ઓસ્કાર માટે મોકલવામાં આવે.
કિરણ રાવે કહ્યું હતું કે, તેમની ઈચ્છા છે કે ફિલ્મ 'લાપતા લેડીઝ'ને ઓસ્કારની રેસમાં સામેલ કરવામાં આવે, અને આજે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ આ ફિલ્મને ઓસ્કારમાં સત્તાવાર પ્રવેશ તરીકે મોકલવાની પુષ્ટિ કરી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ સોમવારે જાહેરાત કરી કે 'લાપતા લેડીઝ'ને ઓસ્કાર 2025 માટે સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. રણબીર કપૂરની 'એનિમલ', મલયાલમ ફિલ્મ 'અટ્ટમ' અને પાયલ કાપડિયાની 'ઓલ વી ઇમેજિન એડ લાઇટ' સહિત 29 ફિલ્મોની યાદીમાંથી 'લાપતા લેડીઝ'ની પસંદગી કરવામાં આવી છે.
અસમિયા દિગ્દર્શક જાહનુ બરુઆહની આગેવાની હેઠળની 13 સભ્યોની પસંદગી સમિતિએ સર્વસંમતિથી આમિર ખાન અને રાવ દ્વારા નિર્મિત 'લાપતા લેડીઝ'ને એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. તમિલ ફિલ્મો 'મહારાજા', 'કલ્કી 2898 એડી', 'હનુમાન', 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' અને 'આર્ટિકલ 370' પણ આ યાદીમાં સામેલ છે. જોકે, આ ગેમ 'લાપતા લેડીઝ' દ્વારા જીતવામાં આવી છે.
ફિલ્મ 'લાપતા લેડીઝ' બે ભારતીય દુલ્હનોની વાર્તા પર આધારિત છે જેઓ વિદાય પછી તેમના સાસરિયાંના ઘરે જતી વખતે અકસ્માતે ટ્રેનમાં ભૂલથી બદલાય જાય છે. ફિલ્મની વાર્તા હૃદય સ્પર્શી છે. તે આમિર ખાન પ્રોડક્શન્સ અને કિરણ રાવના કિંડલિંગ પ્રોડક્શન્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષે માર્ચમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેમાં નિતાંશી ગોયલ, પ્રતિભા રાંતા, છાયા કદમ, સ્પર્શ શ્રીવાસ્તવ અને અભય દુબે જેવા કલાકારો સામેલ છે. એક્ટર રવિ કિશન તેમાં પોલીસની ભૂમિકામાં જોવા મળ્યા હતા. મહિલા સશક્તિકરણ વિશે સમાજને જાગૃત કરવા માટેની આ ફિલ્મ છે.