અમદાવાદના એરપોર્ટ પરથી 2 કરોડથી વધુ કિમતનો હાઈબ્રિજ ગાંજો પકડાયો
- પોલીસ-CISFની ટીમે વોચ ગોઠવી ઓપરેશન પાર પાડ્યું,
- થાઈલેન્ડથી આરોપીઓ ગાંજો લઈને આવ્યા હતા,
- પોલીસે 7 શખસોની કરી ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સ, ગાંજા-ચરસ સહિત નશીલા પદાર્થોનું સેવન વધતુ જાય છે. રોજબરોજ લાખો રૂપિયાનો નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પરથી બે કરોડથી વધુની કિંમતનો હાઈબ્રિજ ગાંજા સાથે 7 શખસો પકડાયા છે. પોલીસ અને સીઆઈએસએફની ટીમે વોચ ગોઠવીને થાઈલેન્ડથી આવેલા 7 શખસોની તલાશી લેતા તેની પાસેથી 7.5 કિલો હાઈબ્રિજ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
અમદાવાદ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પરથી અવારનવાર ડ્રગ્સ, સોનાની દાણચોરી સહિતના કેસ પકડાતા હોય છે. ત્યારે દિવાળીના તહેવારને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે એરપોર્ટ પરથી હાઈબ્રિડ ગાંજો ઝડપાયો છે. થાઈલેન્ડથી 7 લોકો 2.11 કરોડનો હાઈબ્રિડ ગાંજો લઇને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. આ સમયે એરપોર્ટ પર પોલીસ અને CISFની ટીમ દ્વારા ગાંજો ઝડપી તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ડીસીપી ઝોન-4ના ડો. કાનન દેસાઈ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જી. ખાંભલાની ટીમને બાતમી મળી હતી કે થાઈલેન્ડથી આવી રહેલી ફ્લાઈટમાં કેટલાક શખસો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો લઈને આવી રહ્યા છે. આ માહિતીના આધારે વોચમાં બેઠેલા એરપોર્ટ પોલીસની ટીમે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2ના ગેટ પાસેથી હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે 7 આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 2.10 કરોડની કિંમતના 7.5 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગાંધીનગરના પેથાપુરની રહેવાસી મનીષા ખરાડી નામની યુવતી તેના પ્રેમી અશરફખાન ઉર્ફે સમીરના કહેવાથી થાઈલેન્ડની ટ્રિપ પરથી પાછા આવી રહેલા લોકોની બેગમાં હાઈબ્રિડ ગાંજાના જથ્થો મુકાવીને મુખ્ય આરોપી અશરફખાનને આપી દેતી હતી. અને ત્યાર બાદ અશરફખાન ત્યાંથી ફરાર થઇ જતો હતો. હાલમાં પોલીસે એક મહિલા સહિત કુલ સાત આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપી અશરફખાનની શોધખોળ આદરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ અશરફખાન થાઈલેન્ડ ફરવા જતા લોકોનો સંપર્ક કરીને લાલચ આપીને રહેવા-જમવા, ફરવા અને અન્ય સુખ-સુવિધા ભોગવવા સહિતનો ખર્ચ ઉઠાવતો હતો. જ્યારે તેઓ ભારત આવવાના હોય ત્યારે તેમને એક બેગ આપવામાં આવતી હતી અને સાથે રૂ.10 હજાર પણ આપવામાં આવતા હતા, જેના બદલામાં તેમણે એક માત્ર બેગ લઈ જવાની રહેતી હતી, જેમાં હાઈબ્રિડ ગાંજો ભરેલો હતો. પકડાયેલા 7 આરોપીઓમાંથી એક આરોપી સહજ મિયાણા રિક્ષા ચલાવે છે. તેનું કામ એરપોર્ટ પરથી ગાંજાની બેગ બહાર લઈ જવાનુ હતુ, જ્યારે થાઈલેન્ડથી ફલાઈટ આવે ત્યારે મનીષા તેને બેગ આપે એ લઈને રિક્ષામાં નાખીને લઈ જતો હતો. આ ઉપરાંત તે થાઈલેન્ડથી ગાંજાની હેરાફેરી માટે માણસો શોધવાનુ કામ પણ કરતો હતો.