જયપુર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટે 4 આતંકવાદીને આજીવન કેદની સજા ફટકારી
જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં 13 મે, 2008 ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં ચાંદપોલ વિસ્તારમાં રામચંદ્ર મંદિર પાસે જીવતા બોમ્બ પણ મળી આવ્યા હતા. સમગ્ર કેસ મામલે રાજસ્થાન હાઈકોર્ટે આજે મંગળવારે (8 એપ્રિલ, 2025) ચાર આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
જયપુરમાં બ્લાસ્ટ મામલે રાજસ્થાન હાઈકોર્ટે શાહબાઝ હુસૈન, મોહમ્મદ સરવર આઝમી, મોહમ્મદ સૈફ અને મોહમ્મદ સફીઉર રહેમાન નામના ચાર આરોપીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની કલમ 13 અને 18 હેઠળ દોષિત ઠેરવ્યા હતા અને ચારેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી.
ચાર દિવસ પહેલા 4 એપ્રિલના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી દરમિયાન વિશેષ અદાલતે આ ચારેય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે આજે મંગળવારે સજાની ચર્ચા સાંભળ્યા બાદ, હાઇકોર્ટે ચારેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી. સજા પર દલીલો દરમિયાન સરકારી વકીલ અને ખાસ સરકારી વકીલ સાગરે કહ્યું હતું કે, 'આરોપીઓએ સમાજમાં ભય ફેલાવવાના ઈરાદાથી ગંભીર ગુનો કર્યો છે. તેમના પર કોઈ દયા ન બતાવવી જોઈએ.'
જયપુરમાં લગભગ 17 વર્ષ પહેલાં થયેલા સિરિયલ બોમ્બ વિસ્ફોટ પછી, ચાંદપોલ બજારમાં હનુમાન મંદિરની બહાર એક જીવતો બોમ્બ મળી આવ્યો હતો. આ જીવંત બોમ્બ 13 મે, 2008 ના રોજ થયેલા સિરિયલ બોમ્બ વિસ્ફોટનો એક ભાગ હતો. જેમાં જયપુરના વિવિધ વિસ્તારોમાં થયેલા વિસ્ફોટોમાં 71 લોકોના મોત નીપજ્યા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. ચાંદપોલ બજારમાં મળેલા આ બોમ્બને વિસ્ફોટ થાય તે પહેલાં જ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હતો.