For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ચંડોળા તળાવ પરના ગેરકાયદે બાંધકામોના ડિમોલિશનની અરજી હાઈકોર્ટે ફગાવી

05:21 PM Apr 29, 2025 IST | revoi editor
ચંડોળા તળાવ પરના ગેરકાયદે બાંધકામોના ડિમોલિશનની અરજી હાઈકોર્ટે ફગાવી
Advertisement
  • સરકારે રજુઆત કરી ગેરકાયદે વસાહત રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી
  • AMCએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે મોડી રાતથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી,
  • 1500 કાચા બાંધકામો, ઝૂંપડા તોડી પડાયા

અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ઈતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈ મોડી રાતથી મ્યુનિ.કોર્પોરેશનની ટીમે પોલીસના સઘન બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. દરમિયાન આ કાર્યવાહી સામે હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. અને અરજદારોએ એવી રજુઆત કરી હતી કે, કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં રહેતા લોકો બાંગ્લાદેશીઓ હોવાનું પુરવાર થયું નથી. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. પુનર્વસનની પણ કોઈ વાત નથી. દરમિયાન હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી ડિમોલિશનને લીલી ઝંડી આપી દીધી છે.

Advertisement

અમદાવાદ શહેરના શાહઆલમ પાસેના ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. ગઈ મોડી રાતથી એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. 50 જેસીબી મશીન સાથે AMCની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. ડિમોલિશનની કાર્વાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના ઐતિહાસિક તળાવોમાં કાંકરિયા અને ચંડોળા તળાવ છે. 1200 હેક્ટરમાં ફેલાયેલું ચંડોળા તળાવ મુઘલ કાળમાં બનાવવામાં આવ્યું હતું. જો કે, તળાવનું અસ્તિત્વ અમદાવાદની સ્થાપના પહેલાંથી જ હોવાનું કહેવાય છે. માર્ચ-1930માં યોજાયેલી ઐતિહાસિક દાંડી કૂચ વખતે ગાંધીજી તળાવ પાસેના પીપળાના વૃક્ષ નીચે રોકાયા હતા. બાદમાં આ ચંડોળા તળાવની આસપાસ ઝૂંપડપટ્ટી વિસ્તરવા લાગી, જેમાં પાંચેક હજાર લોકો રહેવા લાગ્યા હતાં. ચંડોળા તળાવ પાસે આ વસાહતોને પણ વોર્ડના નામથી ઓળખાય છે. જેમ કે, પેટ્રોલ પંપ પાસે જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે તેને 'કે વોર્ડ' કહેવાય છે. તેની બાજુમાં નરસિંહજી મંદિર છે તેને 'એ વોર્ડ' કહેવાય છે. તેની બાજુમાં 'બી વોર્ડ' છે પછી અંદર ટેકરા પર આવો એટલે 'જી વોર્ડ' આવે છે. પછી 'એફ વોર્ડ', 'આઈ વોર્ડ' અને 'ડી વોર્ડ' આવે છે. પછી આયેશા મસ્જિદ આવે છે અને પછી તેના નીચેના ભાગને બંગાળીવાસ કહેવાય છે અને ઉપર ટેકરાવાળા ભાગને નીલગીરીના છાપરા કહેવાય છે, જ્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે.

Advertisement

આ અંગે એએમસીના દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે જણાવ્યું કે, ગેરકાયદે બાંધકામો તોડવાની 50 ટકા પૂર્ણ થઈ ગઈ છે.કેટલાં બાંધકામ તૂટ્યા તેનો અંદાજ અમે અત્યારે આપી શકીએ એમ નથી. પરંતુ 1500થી 2000 જેટલા ઝૂંપડાઓ છે તેમાંની 50 થી 60 ટકા કામગીરી બપોર સુધીમાં પૂર્ણ થઈ ચૂકી છે. પોલીસ તંત્ર સાથે 7 ઝોનની એસ્ટેટ વિભાગની ટીમો ડિમોલિશનમાં જોડાઈ છે. વર્ષો જૂના બાંધકામ હતાં. તળાવોમાં ગેરકાયદે બાંધકામ થયા હતા જેને તોડવાની કામગીરી થઇ રહી છે. વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ થઈ ચૂક્યા હતા જે અંગે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ કેમ કાર્યવાહી ન કરી તેના સવાલ પૂછતા પોલીસ અધિકારીએ પ્રેસ અટકાવી દીધી હતી.

Advertisement
Tags :
Advertisement