અમેરિકાની હેડસન નદીમાં હેલિકોપ્ટર ક્રેશ થયું , 6નાં મૃત્યુ
અમેરિકાના મેનહટનમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માત ગુરુવારે ન્યૂયોર્કના હડસન નદીમાં બન્યો હતો. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત લોઅર મેનહટન અને જર્સી સિટી વચ્ચે થયો હતો. અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો સામેલ
ન્યૂ યોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે, મૃતકોમાં પાયલટ અને સ્પેનિશ પરિવારના પાંચ લોકોનો સમાવેશ થાય છે. ન્યૂ યોર્ક પોલીસ વિભાગે આ ઘટના અંગે માહિતી શેર કરતા કહ્યું કે, "વેસ્ટ સાઇડ હાઇવે અને સ્પ્રિંગ સ્ટ્રીટ નજીક હડસન નદીમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે."
સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલું જોવા મળે છે. અકસ્માત સમયે આકાશ વાદળછાયું હતું, અને પવન 10 થી 15 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો હતો. હળવો વરસાદ પડવાની શક્યતા હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ કહ્યું કે તે નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) સાથે કામ કરી રહ્યું છે.
પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું
ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શી બ્રુસ વોલે જણાવ્યું કે તેમણે હેલિકોપ્ટરને હવામાં તૂટતું જોયું. હેલિકોપ્ટર પડી ગયું ત્યારે પ્રોપેલર ફરતું હતું અને તે હલતું નહોતું. અન્ય એક સાક્ષી, ડેની હોર્બિયાકે કહ્યું કે, જ્યારે મેં બારીમાંથી બહાર જોયું તો હેલિકોપ્ટર અનેક ટુકડાઓમાં નદીમાં પડી ગયું. અન્ય એક સાક્ષી લેસ્લી કામાચોએ જણાવ્યું હતું કે હેલિકોપ્ટર પાણીમાં અથડાય તે પહેલાં અનિયંત્રિત રીતે ફરતું હતું અને ધુમાડો છોડતું હતું.