દિલ્હી-NCRમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં ભારે વરસાદથી આકરી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. તેમજ હવાની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આવતા સપ્તાહ સુધી આવું જ સુખદ વાતાવરણ રહેશે. 29 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી આકાશ મોટાભાગે વાદળોથી ઘેરાયેલું રહેશે અને ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. IMDના પૂર્વાનુમાન મુજબ, 29 અને 30 જુલાઈએ "મધ્યમ વરસાદ" થશે, જ્યારે 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી "ગાજવીજ સાથે વરસાદ" થઈ શકે છે. 2 અને 3 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં ચાલુ રહેવાની અપેક્ષા છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 30 થી 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 થી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને વિવિધ રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના આંકડા અનુસાર, દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI "સંતોષકારક" શ્રેણીમાં આવી ગયો છે.
મંગળવારે અલીપુર (84), અશોક વિહાર (88), ITO (99), નરેલા (88), IGI એરપોર્ટ (82), અને ચાંદની ચોક (69) જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો નોંધાયો છે.
જોકે, જહાંગીરપુરી (156), મુંડકા (135), અને દ્વારકા સેક્ટર-8 (105) જેવા કેટલાક વિસ્તારોમાં AQI હજુ પણ "મધ્યમ" શ્રેણીમાં છે.
નોઇડાના સેક્ટર-125માં AQI 97, સેક્ટર-62માં 61 અને ગ્રેટર નોઇડાના નોલેજ પાર્ક-3માં 57 નોંધાયો હતો. ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ (63), સંજય નગર (93), અને વસુંધરા (83) માં પણ હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે. વરસાદ અને ઠંડા પવનોએ માત્ર ગરમી અને બફારાથી રાહત આપી નથી, પરંતુ હવાની પ્રદુષણની સતત રહેતી સમસ્યામાંથી પણ અસ્થાયી રાહત આપી છે. જોકે, વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ પર યોગ્ય પાણીના નિકાલના અભાવે જળભરાવ અને જામ જેવી સમસ્યાઓ પણ જોવા મળી રહી છે.