તમિલનાડુના 16 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ચેન્નાઈઃ ભારતીય હવામાન વિભાગેના ચેન્નાઈ સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC)એ આગામી થોડા દિવસો માટે તમિલનાડું માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વિભાગે ચેતવણી જારી કરીને જણાવ્યું છે કે રાજ્યના 16 જિલ્લાઓમાં મંગળવારે ભારે વરસાદ પડવાની સંભાવના છે અને આ ભારે વરસાદ 19 ઓક્ટોબર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. એક સત્તાવાર પ્રેસ રિલીઝ અનુસાર, મંગળવાર અને બુધવારે કોઈમ્બતુર, નીલગિરિ, થેની અને તેનકાસીના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, તિરુપુર જિલ્લાના પહાડી વિસ્તારો અને ઇરોડ, ધર્મપુરી, સલેમ, નામક્કલ, કરુર, ડિંડીગુલ, મદુરાઈ, વિરુધુનગર, તિરુચિરાપલ્લી, કલ્લાકુરિચી અને તિરુવન્નામલાઈ જિલ્લાઓ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગે 15 અને 16 ઓક્ટોબરના રોજ તિરુનેલવેલીના પહાડી વિસ્તારો અને કન્યાકુમારી, તુતીકોરીન, રામનાથપુરમ અને શિવગંગાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. પુડુક્કોટાઈ, તંજાવુર, તિરુવરુર, નાગપટ્ટીનમ અને મયલાદુથુરાઈમાં અલગ અલગ સ્થળોએ પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર ઓછા દબાણવાળા ક્ષેત્ર અને પૂર્વીય પવનોના સક્રિય થવાને કારણે વરસાદ વધુ તીવ્ર બની રહ્યો છે. ચેન્નાઈમાં આગામી બે દિવસ સુધી વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ થવાની ધારણા છે.
આ નવીનતમ આગાહી એવા સમયે આવી છે જ્યારે તમિલનાડુના ઘણા ભાગોમાં તાજેતરના અઠવાડિયામાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં કોઈમ્બતુર અને તિરુપુરમાં મુશળધાર વરસાદને કારણે અચાનક પૂર આવ્યું છે, જેના કારણે રસ્તાઓને નુકસાન થયું છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. સેલેમ અને ઈરોડ જિલ્લામાં સતત વરસાદને કારણે સ્થાનિક જળાશયોના પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે સાવચેતીના પગલા તરીકે નાના બંધોમાંથી વધારાનું પાણી છોડવામાં આવ્યું છે.
દરમિયાન, નીલગિરિ જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે કારણ કે ગયા અઠવાડિયે કુન્નુર અને કોટાગિરિ નજીક અનેક ભૂસ્ખલન થયું હતું, જેના કારણે રસ્તાઓ કામચલાઉ બંધ થઈ ગયા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે ડુંગરાળ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. ખેડૂતોને કાપેલા પાકને સુરક્ષિત રાખવા અને ડાંગરના ખેતરોના બંધ મજબૂત કરવાની પણ સલાહ આપવામાં આવી છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને 24 કલાક દેખરેખ રાખવા અને રાહત ટીમોને સ્ટેન્ડબાય રાખવા નિર્દેશ આપ્યો છે, કારણ કે સપ્તાહના અંત સુધી વ્યાપક વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.