For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

03:21 PM Sep 20, 2025 IST | revoi editor
અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો  અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Advertisement

અમદાવાદઃ ગુજરાતમાં વિદાય લેતા પહેલા ચોમાસું ફરી એકવાર જામ્યું છે. અંતિમ તબક્કામાં ધોધમાર વરસાદે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર કર્યા છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, અમરાઇવાડી, રખિયાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું. અચાનક વરસાદને કારણે વાહન ચાલકો અટવાયા, જ્યારે વાતાવરણમાં ઠંડક વધી. ગાળની ખાડીમાં લો પ્રેશર ક્રિએટ થયા બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે મોડીરાતથી જ અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે મોડી રાતથી અમદાવાદના વટવા, મણિનગર, ઘોડાસર, વસ્ત્રાલ સહિતના અનેક પૂર્વ વિસ્તારોમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી હતી. આજે (20મી સપ્ટેમ્બર) વહેલી સવારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. બીજી તરફ જૂનાગઢ અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

Advertisement

નવરાત્રિના આડે હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ અનુસાર, શનિવાર (20મી સપ્ટેમ્બર)ના દિવસે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ દાહોદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે. 21મીથી 22મી સપ્ટેમ્બર દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.
23-24 સપ્ટેમ્બરની આગાહી

આગામી 23મીથી 24મી સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ધીમી ધારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આ વર્ષે પણ ચોમાસું ફળદાયી નીવડ્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આ વરસાદ થયો. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 24 % વધુ વરસાદ નોંધાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement