દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાવાઝોડા અને તોફાનનું એલર્ટ
નવી દિલ્હીઃ હવામાન વિભાગે 16 રાજ્યોમાં વાવાઝોડા અને તોફાનનું એલર્ટ જારી કર્યું છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.
શનિવારે રાજસ્થાનના 3 જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. શ્રીગંગાનગર, બિકાનેર, જેસલમેર અને ચુરુ સહિત ઘણા શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયો હતો. હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લામાં હીટવેવ અને 14 જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
શનિવારે મધ્યપ્રદેશમાં દિવસના અંતમાં હવામાન બદલાયું, ભોપાલમાં ઝરમર વરસાદ તેમજ ઇન્દોરમાં ભારે વરસાદ પડ્યો. ગ્વાલિયરમાં તોફાન આવ્યું. હવામાન વિભાગે આજે રાજ્યના 21 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
આજે બિહારના 38 જિલ્લાઓમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. ૨૬ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને ૧૨ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શનિવારે પણ રાજ્યમાં તોફાન અને વરસાદ પડ્યો હતો. ગયામાં દિવાલ પડવાથી 2 લોકોના મોત થયા.
શનિવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં ભારે તોફાન અને વરસાદ પડ્યો હતો. વાવાઝોડાને કારણે અશોક નગર રેપિડ મેટ્રો સ્ટેશનનો ટીન શેડ ઉખડીને રસ્તા પર પડી ગયો. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.