છત્તીસગઢ-મધ્યપ્રદેશમાં મૂશળધાર વરસાદની આગાહી
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીના કેટલાક ભાગોમાં આજે સવારે વરસાદ થતાં સ્થાનિકોને ગરમીથી મોટી રાહત મળી હતી. આ સાથે જ દેશના વિવિધ રાજ્યોમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા આજે છત્તીસગઢ, પૂર્વી મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉત્તરાખંડ, ગુજરાત, કોંકણ, ગોવા, ઓડિશા, મધ્યપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી દેશના ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, પૂર્વ, મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેશે. આ આગાહી જોતા, દેશભરમાં ચોમાસું સક્રિય રીતે આગળ વધી રહ્યું હોવાનું જણાય છે, જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે સારા સમાચાર લઈને આવ્યું છે.