ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ
ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં પાછલા બે દિવસથી વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. હવે ચોમાસું પૂરું થવાને આશરે એક મહિના જેટલો જ સમય બાકી છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી રાજ્યમાં વરસાદ અંગેની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ત્યારે આગામી 7 દિવસ વરસાદી સંકટ રાજ્યમાં જોવા મળી શકે છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પરંતુ વીજળીના કડાકા સાથે ભારે પવન ફૂંકાવવાની પણ શક્યતા સેવવામાં આવી છે. ભારે પવન અને વરસાદની સ્થિતિને જોતા દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે જ 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે.
હવામાન વિભાગના મતે આજે 30મી ઓગસ્ટ 2025એ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આનંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડી શકે છે. એટલે કે આજે 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.