મુંબઈમાં ભારે વરસાદને પગલે જીનજીવન ખોરવાયું, શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ
મુંબઈઃ આર્થિક રાજધાની મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર વરસાદને કારણે જનજીવનને વ્યાપક અસર થઈ છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના રેડ એલર્ટનો અર્થ એ છે કે આગામી સમયમાં ગંભીર અથવા અત્યંત ખતરનાક હવામાન પરિસ્થિતિઓ આવી શકે છે. લોકોએ રેડ એલર્ટમાં બહાર નીકળવાનું ટાળવવા અપીલ કરવામાં આવ્યો છે.
શનિવારથી મુંબઈમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. રવિવારે આખી રાત ભારે વરસાદ બાદ, સવારે 9 વાગ્યાથી વરસાદ વધુ તીવ્ર બન્યો હતો. હવામાન વિભાગે મુંબઈ અને થાણે માટે આગામી 48 કલાક માટે રેડ એલર્ટ જારી કર્યું છે. સવારે લગભગ 11 વાગ્યે જારી કરાયેલા બુલેટિન મુજબ, થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગિરિ, પુણે, કોલ્હાપુર અને સતારા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સિંધુદુર્ગ જિલ્લા માટે સોમવાર અને મંગળવારે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને, આજે, સોમવાર મુંબઈની તમામ શાળાઓ અને કોલેજોમાં બપોરના સત્રમાં રજા જાહેર કરવામાં આવી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે તમામ કટોકટી સેવાઓને સતર્ક અને તૈયાર રહેવા સૂચના આપી છે. ઉપરાંત, નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ફક્ત જરૂરી હોય ત્યારે જ ઘરો છોડે.
ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનો મોડી પડી રહી છે. ટ્રેનો 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે. ઘણી જગ્યાએ પાટા પર પાણી જોવા મળ્યું. માનખુર્દ, ગોવંડી, કુર્લા અને તિલક નગરમાં રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે લોકલ ટ્રેનો મોડી દોડી રહી છે. બેસ્ટ બસ સેવાઓના કોઈપણ રૂટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કુર્લા, સાયન, કિંગ્સ સર્કલ, હિંદમાતા, અંધેરી, પરેલ, કિંગ્સ સર્કલ, જેપી રોડ, મિલન સબવે અને એલબીએસ રોડમાં ઘૂંટણ સુધી પાણી જમા થઈ ગયું છે. આ કારણે જામ થઈ ગયો હતો. ઓફિસ સમય હોવાથી લોકો રસ્તાઓ પર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. મુંબઈના દરિયામાં પણ ઉંચી ભરતીનો ભય છે. સાંજે 7 વાગ્યાની આસપાસ 3.18 મીટરની ઉંચી ભરતી આવી શકે છે. આવી સ્થિતિમાં દરિયા કિનારે ન જવા માટે લોકોને અપીલ કરાઈ છે.
મુંબઈ સહિત રાજ્યમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી ગિરીશ મહાજન પરિસ્થિતિની સમીક્ષા કરશે. મરાઠવાડાના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ પણ છે. 16 ઓગસ્ટના રોજ, મુંબઈ ઉપનગરોમાં રેકોર્ડ 244.7 મીમી વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા 13 વર્ષમાં ઓગસ્ટ મહિનામાં ત્રીજા ક્રમનો સૌથી વધુ એક દિવસીય વરસાદ હતો.
મુંબઈ પોલીસે ગુરુવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા અને ઓછી દૃશ્યતાના બનાવો નોંધાઈ રહ્યા છે. કૃપા કરીને બિનજરૂરી મુસાફરી ટાળો, તમારી મુસાફરીનું કાળજીપૂર્વક આયોજન કરો અને જરૂર પડે ત્યારે જ બહાર નીકળો. અમારા અધિકારીઓ અને સ્ટાફ સંપૂર્ણપણે સતર્ક છે અને મદદ કરવા માટે તૈયાર છે.