દિલ્હી-NCRમાં પવન સાથે ભારે વરસાદ, પરિવહન સેવાને વ્યાપક અસર
નવી દિલ્હીઃ દિલ્હી NCRમાં શુક્રવારની સવારે તેજ હવાઓ સાથે ભારે વરસાદ થયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો હતો અને હવામાન ખુશનુમા બન્યું. જોકે, વરસાદને કારણે સવારે ઓફિસ આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજધાની દિલ્હી માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે કલાકમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે ભારે વરસાદ અને ભારે વાવાઝોડાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. તેમજ 40થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી.
પાલમ હવામાન કેન્દ્રે 74 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પુષ્ટિ કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી થોડા દિવસો સુધી ગરમીથી રાહત મળશે અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની શક્યતા છે.
IMD એ એલર્ટ જારી કર્યું
IMDએ જણાવ્યું હતું કે આગામી 2 કલાક દરમિયાન દિલ્હીમાં 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુરુવારે, દિલ્હીના મુખ્ય હવામાન કેન્દ્ર સફદરજંગમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું હતું. આ ઉપરાંત, લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી વધુ હતું. સવારે 8:30 વાગ્યે હવામાં ભેજનું પ્રમાણ 59 ટકા હતું, જે સાંજે 5:30 વાગ્યે ઘટીને 43 ટકા થઈ ગયું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક કલાકોમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વાવાઝોડા વીજળીના કડાકા અને ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન, ઓડિશા, છત્તીસગઢ, દક્ષિણ ગંગા તટવર્તી પશ્ચિમ બંગાળ અને ઉત્તર તટવર્તી આંધ્ર પ્રદેશ માટે ચેતવણી જારી કરવામાં આવી છે.