સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી હિટવૅવની આગાહી
અમદાવાદઃ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની- હિટવૅવની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન દરિયાઈ જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે.બીજી તરફ, આઠ એપ્રિલ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 6થી 8 તારીખ સુધીમાં કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર તથા મોરબી, જુનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દરિયાકિનારાના ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં પલટાયેલા વાતાવરણ સાથે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. એપ્રિલ મહિનો શરૂ થતા જ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. 1 એપ્રિલે 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આગામી સાત દિવસ દરમિયાન રાજકોટમાં ગરમીનો પારો 44 ડિગ્રી સુધી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના પૂર્વ અને દક્ષિણના જિલ્લાઓમાં થન્ડરસ્ટોર્મ અને છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે.