ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પારો ચડવાની આગાહી, 2થી 5 ડિગ્રી તાપમાન વધવાની શકયતા
નવી દિલ્હીઃ ઉનાળાના આરંભ સાથે જ દેશના મોટાભાગના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ અઠવાડિયાથી દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાનમાં ઝડપી વધારો જોવા મળશે. આગામી 4-5 દિવસમાં, ખાસ કરીને ઉત્તરપશ્ચિમ ભારતમાં, તાપમાનમાં 3-5 ડિગ્રી નો વધારો થવાની સંભાવના છે. જ્યારે મધ્ય ભારત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં, આ વધારો 2-4 ડિગ્રી સુધી હોઈ શકે છે. મહારાષ્ટ્રના કોંકણ અને વિદર્ભ વિસ્તારોમાં પણ ગરમીની અસર જોવા મળશે.
ચાલુ મહિનામાં કેરળ, તમિલનાડુ, દક્ષિણ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પૂર્વ-ચોમાસાનો વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે આ વિસ્તારોમાં તાપમાનમાં થોડી રાહત મળી હતી. આ ઉપરાંત, પશ્ચિમી વિક્ષોભને કારણે, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે, આ મહિને ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં શુષ્ક હવામાન રહે છે, જેના કારણે સરેરાશ તાપમાનમાં વધારો નોંધવામાં આવ્યો છે.
અત્યાર સુધી, પશ્ચિમ ગુજરાત, કોંકણ, મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશ અને ઓડિશાની સરહદે આવેલા છત્તીસગઢમાં ગરમીનું મોજું નોંધાયું છે. માર્ચ મહિનામાં અત્યાર સુધી સામાન્ય કરતાં વધુ વરસાદ ફક્ત કેરળ, તમિલનાડુ, ઝારખંડ અને ઉત્તરાખંડમાં જ પડ્યો છે. દક્ષિણ દ્વીપકલ્પીય ક્ષેત્રમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 40% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં તે સરેરાશ કરતાં ઓછો રહ્યો છે.
પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સંભાવના છે. આના કારણે, શુક્રવાર (28 માર્ચ) સુધી જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં ગાજવીજ અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 27 માર્ચ સુધી આવું જ હવામાન રહી શકે છે.
IMDનું કહેવું છે કે દેશના અન્ય ભાગોમાં ગરમીની વધતી અસરને કારણે, આગામી દિવસોમાં ગરમીની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગ સલાહ આપે છે કે લોકોએ તડકામાં બહાર નીકળતી વખતે સાવચેત રહેવું જોઈએ અને શક્ય તેટલું પોતાને હાઇડ્રેટેડ રાખવું જોઈએ.