ઊંઝા માર્કેટ યાર્ડમાં વેપારીઓની બેઠકમાં ગરમાગરમી, વેપારીઓએ હોબાળો મચાવ્યો
- યાર્ડના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી ન થતાં વહિવટદારનું રાજ
- ભાજપના બે જુથો વચ્ચે વિખવાદથી નિર્ણય લેવાતો નથી
- પ્રશ્નો ઉકેલવાની ખાતરી મળતા કામકાજ શરૂ કરાયું
મહેસાણાઃ જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાર મહિના અગાઉ બોર્ડ ઑફ ડિરેકટર્સની ચૂંટણી થઈ હતી. ત્યારબાદ હજુ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક ન થતા હાલ યાર્ડમાં વહિવટદારનું શાસન છે. દરમિયાન યાર્ડના વેપારીઓ અનેક પ્રશ્નોને લઈ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગઈકાલે બુધવારે માર્કેટ યાર્ડના વેપારીઓની બેઠક મળી હતી. જેમાં ચર્ચાના અંતે જયાં સુધી વેપારીઓની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી ખેડૂતોની કૃષિ ઉપજોના ખરીદ અને વેચાણની પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતાં હોબાળો થયો હતો. જોકે, છેવટે વહીવટદાર સાથે યોજાયેલી બેઠકમાં વેપારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવતાં મામલો થાળે પડ્યો હતો. આજે રાબેતા મુજબનું કામકાજ થયું હતું
સૂત્રોના જણાવ્યા મુજબ ઊંઝા APMCના બોર્ડ ઑફ ડિરેકટર્સની ચૂંટણી 16 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના જ બે જૂથો આમનેસામને આવી જતાં રાજકીય વિવાદ સર્જાયો હતો. ખેડૂત વિભાગની 10 વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ વિભાગની મળી 15 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેના બીજા દિવસે જાહેર થયેલા પરિણામોમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલની પેનલને બહુમતી મળી હતી. જેના લીધે યાર્ડના બોર્ડ ઑફ ડિરેકટર્સની ચૂંટણી થયાને ચારેક માસ જેટલો સમય વિતી ગયો છતાં હાલમાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. જેમાં વેપારીઓની સમસ્યાઓમાં દિન-પ્રતિદિન વધારો થયો હોવાથી વિરોધ ઊઠ્યો હતો. આ દરમિયાન ગઈકાલે બુધવારે ઊંઝા માર્કેટ યાર્ડના વેપારીઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં ચર્ચાના અંતે જયાં સુધી તેઓના પ્રશ્નોનો સુખદ ઉકેલ નહીં આવે ત્યાં સુધી ખેડૂતોના માલની ખરીદી અને વેચાણની પ્રક્રિયા બંધ રાખવાનો સર્વાનુમત્તે નિર્ણય કરવામાં આવ્યો હતો. હરાજીની પ્રક્રિયા બંધ રાખવાના નિર્ણયથી હોબાળો થતાં વહીવટદાર દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વેપારીઓ સાથે વાતચીત કરીને તેઓની સમસ્યાઓ ઉકેલવાની ખાતરી આપવામાં આવતાં મામલો થાળે પડ્યો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ગઈકાલે બુધવારે સવારે ખેડૂત માલની હરાજી મુદ્દે APMC દ્વારા કરવામાં આવેલી જાહેરાત અંગે વેપારીઓમાં ગેરસમજ થતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સાંજે પાંચ કલાકે ઊંઝા APMCના વહીવટદાર, ઊંઝા વેપારી મંડળના પ્રમુખ કનુભાઇ પટેલ તેમજ ઊંઝા માર્કેટયાર્ડ વૈપારી એસોસિએશન પ્રમુખ સહિત હોદેદારોની યોજાયેલી બેઠકમાં સુખદ ઉકેલ આવતા વેપારીઓએ ગુરૂવારથી માર્કેટયાર્ડ રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. ઊંઝા માર્કેટયાર્ડ ખાતે આજે ગુરૂવારથી રાબેતા મુજબ હરાજીનું કામકાજ ચાલુ રહ્યુ હતુ.