ગુજરાતમાં સતત ત્રીજા દિવસે ગરમીનું મોજુ યથાવત, કચ્છમાં રેડ એલર્ટ યથાવત
- રાજ્યમાં હીટસ્ટ્રોકના કેસમાં થયો વધારો
- બપોરના ટાણે કામ વિના ઘરની બહાર ન નિકળવા લોકોને અપીલ
- ગાંધીનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને ભાવનગરમાં હીટવેવનું મોજુ ફરી વળશે
અમદાવાદઃ ગુજરાતમાં આદે ત્રીજા દિવસે પણ ગરમીનું મોજુ થાવત રહ્યું હતું, અમદાવાદમાં 43 ડિગ્રી અને સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ એક સપ્તાહ સુધી તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નથી. અસહ્ય તાપમાનને કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ વધારો થયો છે. લોકોને કામ વિના બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી છે, દરમિયાન રાજ્યના કૃષિ વિભાગે હીટવેવ અને ગરમી દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂરી રાખવા જણાવ્યું છે. અને બપોરના ટાણે ખેતીની પ્રવૃતિઓ બંધ રાખવા અપીલ કરી છે.
ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ગરમીએ લોકોને તોબા પોકારાવી દીધા છે. હવામાન વિભાગે આજે પણ કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે અન્ય 10 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરી તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે અમદાવાદ, ગાંધીનગર, ડીસા અને ભૂજ સહિત શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલીમાં તાપમાન 44 ડિગ્રીએ પહોંચતા લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. અસહ્ય ગરમીમાં બપોરના ટાણે લોકોને કામ વિના ઘરની બહાર ન નિકળવા અપીલ કરવામાં આવી છે. કચ્છમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યુ છે.
રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે આજે મંગળવારે પણ કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં 44.2 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચતા લોકો અકળાયા હતા. તે સિવાય 10 સેન્ટર પર ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અસહ્ય ગરમીને લીધે અમદાવાદમાં હીટસ્ટ્રોકના કેસમાં વધારો થયો છે, જેમાં છેલ્લા 10 દિવસમાં 108ને હીટસ્ટ્રોક ડિહાઈડ્રેશન, હાઈગ્રીડ ફીવર, ઝાડા-ઊલટી અને પેટમાં દુખાવાના 232 કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ ગરમી 11 દિવસ વહેલી 43 ડિગ્રીએ પહોંચી ગઈ છે. જ્યારે રાજકોટમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા બપોરના ટાણે રોડ-રસ્તાઓ પર ટ્રાફિકમાં ઘટાડો જોવા મળ્યો હતો.હીટવેવને લઈને કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ હીટ ફોર્સ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં બપોરે તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યારે શાળાઓનો સમય સવારની પાળીનો રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવા નિર્ણય લેવાયો છે. જ્યારે જાહેર સ્થળોએ લોકો માટે ઓઆરએસ અને છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવા માટે નિર્દેશ કરાયો છે.