For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આરોગ્ય કર્મીઓની હડતાળનો 4થો દિવસ, CMને મળવા જતા 300થી વધુની અટકાયત

05:35 PM Mar 20, 2025 IST | revoi editor
આરોગ્ય કર્મીઓની હડતાળનો 4થો દિવસ  cmને મળવા જતા 300થી વધુની અટકાયત
Advertisement
  • સરકારે આરોગ્ય કર્મચારીઓ સામે એસ્માનું શસ્ત્ર ઉગામ્યુ
  • ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું
  • ગ્રામ્ય વિસ્તારોની આરોગ્ય સેવાને પડી અસર

ગાંધીનગરઃ રાજ્યમાં પંચાયત હસ્તકના આરોગ્ય સેવાના કર્મચારીઓ પોતાની વિવિધ માગણીઓના ઉકેલ માટે ગઈ. તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. આજે હડતાળનો ચોથો દિવસ છે. સરકાર નમતુ જોખવા તૈયાર નથી. અને હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે એસ્માનું શસ્ત્ર ઉગામ્યુ છે. બીજીબાજુ આરોગ્ય કર્મચારીઓ પણ પીછેહટ કરવા તૈયાર નથી. દરમિયાન આજે આરોગ્ય કર્મચારીઓ મુખ્યમંત્રીને રજુઆત માટે ગાંધીનગર પહોંચ્યા હતા.જેને લીધે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવો કરી આંદોલન કરે તે પહેલાં ડામી દેવા માટે અટકાયત શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 300થી વધુ આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય સેવાના કર્મચારીઓના પડતર પ્રશ્નો એવા છે કે, MPHW, FHW, MPHS, FHS, TMPH, THV અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ઉપરાંત, MPHW-FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.

આરોગ્ય કર્મચારી મહાસંઘના જણાવ્યા મુજબ  છેલ્લા બે વર્ષથી રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ કોઇ નિકાલ ન આવતા સરકારને 1લી માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જે બાદ 5મી માર્ચે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું. 7મી માર્ચથી ઓનલાઈન-ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર શરૂ કર્યો હતો. ત્યારબાદ  કર્મચારીઓ 17 માર્ચથી અચોકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. અને પડતર પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement