ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ આરોગ્ય કર્મચારીઓની હડતાળ સમેટાઈ
- સરકારની ચીમકીથી ઘણા કર્મચારીઓ નોકરી પર પરત ફરતા લડત ભાંગી પડી
- યુનિયને પ્રશ્નો ઉકેલવા સરકારને ત્રણ મહિનાનાનું અલ્ટિમેટમ આપ્યું
- પડતર પ્રશ્નો ન ઉકલે તો આરોગ્ય કર્મચારીઓ ફરી હડતાળ પાડશે
ગાંધીનગરઃ રાજ્યના પંચાયત વિભાગ હેઠળના આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પાડી હતી. અને ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણીમાં લડત શરૂ કરીને સરકાર સામે મોરચો માંડ્યો હતો. એકાદ સપ્તાહની હડતાળ બાદ સરકારે એસ્મા લાગુ કરીને કર્મચારીઓને હડતાળ સમેટી લેવાની ચીમકી આપી હતી. અને 2000 જેટલા હડતાળિયા કર્મચારીઓને છૂટા કરી દેતા ઘણાબધા કર્મચારીઓ નોકરી પર પરત લાગી ગયા હતા. દરમિયાન આરોગ્ય કર્મચારી યુનિયને ચાર દિવસ હડતાળને બ્રેક લગાવીને કોઈ કાર્યક્રમ ન યોજવાની જાહેરાત કરી હતી. હવે ચાર દિવસની બ્રેક બાદ આરોગ્ય કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચીને ત્રણ મહિનામાં પડતર પ્રશ્નો ઉકેલવા સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. ત્યારબાદ જો પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો કર્મચારીઓ ફરીવાર હડતાળ પર જશે.
રાજ્યના પંચાયતના વર્ગ-3ના આરોગ્ય કર્મચારીઓને ટેકનીકલ કેડરમાં સમાવેશ કરીને હાલ મળતો ગ્રેડ પે 1900ને બદલે ગ્રેડ પે 2800નો આપવાની માંગણી કરી હતી. ઉપરાંત એમપીએચએસ, એફએચએસ તમામ સુપરવાઇઝર ભાઇઓ અને બહેનોને હાલ મળતો 2400ના ગ્રેડ પેને બદલે 4200 ગ્રેડ પે આપવાની માગણી કરી હતી. ઉપરાંત આરોગ્ય કર્મચારીઓને ઉચ્ચત્તર પગારધોરણ માટે લેવામાં આવતી ખાતાકિય પરીક્ષાઓમાં એફએચડબલ્યું એ છ માસની આરોગ્યની તાલીમ મેળવી હોય તે તમામને ખાતાકિય પરીક્ષામાંથી મુક્તિ આપવાની માગણી હતી. ઉપરાંત પ્રમોશન અને ઉચ્ચત્તર પગારધોરણને એરિયર્સ સાથે લાભ આપવાની માગણી સાથે આરોગ્ય કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાલનું આંદોલન ચલાવવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગે કર્મચારીઓના આંદોલનને તોડી પાડવા એસ્મા લગાવવાની સાથે સાથે નોકરી તુટ, નોટીસ, ચાર્જસીટ સહિતના પગલાં લેવામાં આવ્યા હતા. ઉપરાંત હિન્દી, ખાતાકિય પરીક્ષા અને સીસીસીની પરીક્ષા પાસ નહીં કરેલા કર્મચારીઓને છુટા કરવા સહિતના પગલાં લેવાયા હતા. છતાં આરોગ્ય કર્મીઓએ હડતાલ ચાલુ રાખી હતી. પરંતુ આરોગ્ય કર્મચારીઓની હડતાલને ચાર દિવસના બ્રેક બાદ રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખે હડતાલનો અંત જાહેર કરીને કર્મચારીઓને નોકરીમાં હાજર થઇ જવા આદેશ કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલની ખાતરી સાથે આગામી ત્રણ માસમાં આદેશ પણ કરી દેવાની આરોગ્ય મંત્રીએ ખાતરી આપી છે. જો આગામી ત્રણ માસ સુધી આરોગ્ય કર્મચારીઓની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો પુન: અચોક્કસ મુદતની હડતાલ સહિતના લડત કાર્યક્રમો અપાશે. (File photo)