PMJAY યોજના, આયુષ્યમાન કાર્ડ કૌભાંડમાં હેલ્થ વિભાગના કર્મચારીની ધરપકડ
- આરોગ્ય વિભાગના અન્ય બે કર્મચારીઓની પૂછતાછ,
- મિલાપ પટેલે લાખોની સંખ્યામાં કાર્ડ એપ્રવ્ડ કર્યા હતા
- કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારી પગાર ઉપરાંત 50 હજારની મહિને પ્રેક્ટિસ કરતા હતા
અમદાવાદઃ શહેરના ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા આરોગ્ય વિભાગનું PMJAY યોજનામાં આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યુ છે. કોન્ટ્રાક્ટ બેઝ હેઠળ કામ કરતા કર્મચારીઓ જ રૂપિયા લઈને ફટાફટ કાર્ડ કાઢી આપતા હતા. શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે કર્મચારીની અટક કરીને પૂછતાછ કરવામાં આવી રહી છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં PMJAY યોજના હેઠળ ખોટી રીતે ઓપરેશન કરી લીધાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડની શહેરના ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી, તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાંથી ખોટી રીતે અનેક લોકોનાં આયુષ્યમાન કાર્ડ કઢાવી આપ્યાંની હકિકતો જાણવા મળી હતી. આ કૌભાંડમાં ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઈમ બ્રાન્ચના રડારમાં હતા. અંતે ક્રાઈમ બ્રાન્ચે મોડીરાતે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી હતી આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના બે કર્મચારીઓની પણ પૂછપરછ ચાલુ છે. ધરપકડ કરાયેલો કર્મચારી મિલાપ પટેલ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે દસ દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડી હતી. અને હેલ્થ વિભાગનો કર્મચારી મિલાપ પટેલ તે ગેંગ સાથે પણ સંડોવાયેલો છે, તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓ પોલીસના રડારમાં હતા જ. પુરાવા મળતાં જ ક્રાઈમ બ્રાન્ચે ગઈરાત્રે મિલાપ પટેલની ગાંધીનગરથી ધરપકડ કરી હતી. જ્યારે આરોગ્ય વિભાગના બીજા બે કર્મચારીની પણ પૂછતાછ ચાલુ છે. મિલાપ પટેલ કોન્ટ્રાક્ટ આધારે આરોગ્ય વિભાગમાં 2017થી નોકરી કરતો હતો. મિલાપ આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કરવાનું કામ કરતો હતો. મિલાપ પટેલે લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ્ડ કર્યા હતા. તેને કાર્ડ દીઠ ફિક્સ રકમ પણ મળતી હતી. ગાંધીનગર આરોગ્ય વિભાગમાં આયુષ્યમાન કાર્ડ ખોટી રીતે કાઢી આપીને સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. પોલીસને શંકા છે કે, મોટાં કૌભાંડો કોન્ટ્રાક્ટવાળા કર્મચારીઓ જ કર્યા છે પણ તેની ગોઠવણ હેલ્થ ડિપાર્ટમેન્ટના કાયમી કર્મચારી સાથે હોય તેવી શંકા છે અને તે બાબતે પણ તપાસ ચાલી રહી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નકલી આયુષ્યમાન કૌભાંડમાં છ લોકોની ધરપકડ કરી હતી. જે લોકો સામન્ય લોકોના ડેટામાં એડિટ કરીને બીજાના નામ ઘુસાડી દેતા હતા અને તેમના આયુષ્યમાન કાર્ડ અને સરકારી યોજનાનાં કાર્ડ બનાવી આપતા હતા. આરોપીઓ મહિને 40થી 50 હજાર રૂપિયા જેટલું કમાતા. અંદાજે 11 જેટલા લોકો આ રેકેટમાં સામેલ હતા. આ જ ગેંગ સાથે ગાંધીનગર હેલ્થ ડિપાર્ટમેન્ટનો કર્મચારી મિલાપ પટેલ સંકળાયેલો હતો. એટલે ખોટી રીતે કાર્ડ એપ્રૂવ કર્યા હોય તેની સંખ્યાનો આંકડો બહુ જ મોટો હોવાની શક્યતા છે.