હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં
અમદાવાદઃ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પમાં આજે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં હતાં. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા લોકોના ચહેરા પર ખુશી અને વિશ્વાસની લાગણી છલકાઈ રહી છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં કેટલાક ધર્મ અને જ્ઞાતિઓના લોકો લઘુમતીઓમાં આવે છે. આ દેશોમાં વર્ષોથી લઘુમતી નાગરિકોની પરિસ્થિતિ કપરી છે તેમજ તેમની સુરક્ષા ખતરામાં છે.
આજે ભારતીય હોવાનો મને ગર્વ છે એમ જણાવીને ગૃહ રાજ્યમંત્રીએ નાગરિકતા પ્રમાણપત્ર મેળવનારા નાગરિકોને સંબોધતા કહ્યું હતું કે, તમે આજે ગર્વથી તમારી કર્મભૂમિ ભારતને બનાવી શકો છો, ભલે તમારો જન્મ પાકિસ્તાનમાં થયો હોય. આજે પાકિસ્તાનમાંથી આવેલા ઘણા લઘુમતી પરિવારો સમાજમાં વિવિધ ક્ષેત્રે વિકાસ સાધી રહ્યા છે અને સમાજના ઉત્થાનમાં યોગદાન આપી રહ્યા છે. આવા પરિવારોનાં સંતાનો પણ ઉચ્ચ અભ્યાસમાં સફળતા મેળવી રહ્યાં છે. પાકિસ્તાનમાંથી આવીને વસેલા હિન્દુ પરિવારોને નવી ઓળખ આપવાનું કામ કેન્દ્ર અને રાજ્ય સરકારે કર્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સાથે જ, અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને પ્રસંશનીય કામગીરી થકી નાગરિકોને વર્ષ 2017થી નાગરિકતા પ્રમાણપત્રો એનાયત થઈ રહ્યાં છે એમ જણાવીને ગૃહ રાજ્યમંત્રીએ તેમની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર નાગરિકોએ તેમના પ્રતિભાવો વર્ણવ્યા હતા. પાકિસ્તાનથી ભારત આવીને વસેલા લઘુમતીઓને નાગરિકતા આપતો કાયદો લાવવા બદલ તેઓએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના તા.23/12/2016 તેમજ તા.23/10/20218ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લાના જિલ્લા કલેક્ટરોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનની Minority Community (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ક્રિશ્ચિયન)ને CITIZENSHIP ACT-1955ની કલમ-૫ અને ૬ અન્વયે ભારતીય નાગરિકતા આપવા અંગેની સત્તા એનાયત કરી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૭થી ૨૦૨૪ સુધી કુલ ૧૧૬૭ અને આજના કાર્યક્રમમાં કુલ 56 વ્યક્તિઓને નાગરિકતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં છે.