અમદાવાદમાં લો ગાર્ડનનું હેપી સ્ટ્રીટ ફરીથી ધમધમતુ થશે
- મ્યુનિએ 36 વેપારીઓને માસિક 15 હજારના ભાડેથી જગ્યા ફાળવી
- અગાઉ મ્યુનિએ એક લાખ રૂપિયા ભાડુ નક્કી કરતા વિરોધ થયો હતો
- સ્ટોલધારકોએ હાઈકોર્ટમાં રિટ કરી હતી
અમદાવાદઃ શહેરમાં લો ગાર્ડન ખાતે ખાણીપીણીનું બજાર હેપી સ્ટ્રીટ ફરી ધમધમતુ થશે, લો ગાર્ડન ખાતે મ્યુનિ. દ્વારા ખાણી-પીણીના સ્ટોલ માટે હેપી સ્ટ્રીટ બનાવી છે, અગાઉ કેટલાક સ્ટોલ ધારકોને જગ્યાઓ ફાળવવામાં આવી હતી, પણ પ્રત્યેક સ્ટોલનું ભાડુ રૂપિયા એક લાખ નક્કી કરવામાં આવ્યુ હતું, આટલુબધુ ભાડુ પરવડી શકે નહીં તેમ કહીને સ્ટોલધારકોએ વિરોધ કર્યો હતો અને આ મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. હવે મ્યુનિ.એ ભાડુ ઘટાડીને રૂપિયા 15 હજાર કરતા સ્ટોલધારકો તૈયાર થયા છે. અને હવે હેપી સ્ટ્રીટ ફરી ધમધમશે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને ખાણીપીણીના રસિયાઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. લાંબા સમયથી અટવાયેલા વિષયનો આખરે અંત આવ્યો છે. મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 36 વેપારીઓને જગ્યા ભાડે આપવા નિર્ણય કર્યો છે. રૂ 15000 ના માસિક ભાડે વેપારીઓને જગ્યા ફાળવવામાં આવશે. આ અંગે માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, અગાઉ હેપ્પી સ્ટ્રીટમાં વેપારીઓએ 75 હજારથી 1 લાખ ભાડું હતું. જેમાં અંદાજે 36 વેપારીઓ માટે 15000 ભાડું નક્કી કરવામાં આવ્યું. પરંતું કોવીડ બાદથી ભાડાની અને આવકની રકમને લઈને મામલો અટવાયેલો હતો.
અમદાવાદના લૉ ગાર્ડન ખાતે મ્યુનિ.કોર્પોરેશને રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ તૈયાર કરી છે. જ્યાં વિવિધ સ્ટોલ ધારકો દ્વારા ખાણીપીણીનું બજાર ચાલતું હતું. જ્યારે અમુક સમય બાદ AMCએ ફૂડ સ્ટ્રીટ બંધ કરીને પે એન્ડ પાર્કિંગ બનાવી દીધું હતું. જેને લઈને સ્ટોલ ધારકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે AMC દ્વારા લૉ ગાર્ડન ખાતે ફરીથી હેપ્પી સ્ટ્રીટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, શહેરના લૉ ગાર્ડન ખાતે વર્ષ 2019માં AMCએ રિડેવલપમેન્ટ કરીને હેપ્પી સ્ટ્રીટ બનાવી હતી. જ્યાં ખાણીપીણી સહિતના 36 સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા. આ પછી AMCએ અહીં પે એન્ડ પાર્કિંગ શરૂ કર્યું હોવાથી સ્ટોલ ધારકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે હવે તંત્રએ ફરીથી હેપ્પી સ્ટ્રીટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, ત્યારે ટેન્ડર મુજબ સ્ટોલ માટે જગ્યા આપવામાં આવશે અને એક સ્ટોલ દીઠ 15 હજાર ભાડુ રહેશે.