For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાળંગપુરધામમાં હનુમાન જયંતી મહોત્સવની ઉજવણી કરાશે

11:17 AM Apr 11, 2025 IST | revoi editor
સાળંગપુરધામમાં હનુમાન જયંતી મહોત્સવની ઉજવણી કરાશે
Advertisement

રાજકોટઃ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ 11 અને 12 એપ્રિલ-2025ને શુક્રવાર-શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં હનુમાન જયંતી મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવણી થશે.

Advertisement

પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે
હનુમાન જયંતિના પાવન પ્રસંગે તારીખ 11મીએ સવારે 7.30 કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવશે. જેમાં 1008 કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવનો ભવ્ય અભિષેક કરવામાં આવશે. બપોરે 4 કલાકે કળશ યાત્રા યોજાશે. જેમાં 4 હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે. હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે. 251 પુરૂષ-મહિલા ભક્તો સાફા ધારણ કરીને દાદાને રાજી કરશે. 108 બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવશે. આ તકે આફ્રિકન સીદી ડાન્સ જબરદસ્ત આકર્ષણ જમાવશે. આ ઉપરાંત ડી. જે. નાસિક ઢોલ, બેન્ડવાજા વગેરે સંગીતની ટીમો ભક્તોને મંત્રમુગ્ધ કરશે. આ તકે 251 કિલો પુષ્પ અને 25,000 ચોકલેટો સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે.

11મીએ કિંગ ઓફ સાળંગપુર ખાતે સમુહ આરતી, આતશબાજી અને લાઇવ કોન્સર્ટનું આયોજન
11 એપ્રિલ શુક્રવારે રાત્રે 8.30 કલાકે કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓથી કિંગ ઓફ સાળંગપુરની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં આરતી થશે અને ઐતિહાસિક આતશબાજીથી દાદાનું સ્વાગત કરાશે. રાત્રે 9 કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વીથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે અને કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે.

Advertisement

સમૂહ મહાસંધ્યા આરતી, અન્નકૂટ, અભિષેક, કલશ યાત્રા તેમજ આતશબાજી સહિતના કાર્યક્રમોનું આયોજન
12 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારનો મહાસંગમ એટલે હનુમાન જયંતી. સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે. દાદાની અમાપ કૃપાથી સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થયેલા હજારો ભક્તો હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગમાં પધારશે. 54 ફૂટના કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની ભવ્ય સમૂહ આરતી. ભવ્ય રાજોપચાર, અન્નકૂટ અને મહાસંધ્યા આરતી જેવા અનેક પ્રસંગોમાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ એવં હરિપ્રકાશદાસજી સ્વામી અને વડીલ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. જે માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય તે માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે અહીં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.

સમૂહ મારુતિ યજ્ઞમાં 1 હજાર ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે
12 તારીખે એટલે કે, હનુમાન જયંતીના દિવસે દાદાના દરબારમાં સમૂહ મારુતી યજ્ઞ યોજાશે. જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ, સંતો અને 1 હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે. દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા 50થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે.

12મીએ સમૂહ મહા સંધ્યા આરતી અને અન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન
તારીખ 12ને શનિવારે સવારે 5 કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીથી કષ્ટભંજનદેવનું સ્વાગત કરાશે. 7 કલાકે કષ્ટભંજનદેવ દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપશે. સવારે 7.30 કલાકે 51,000 બલૂનડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે. 250 કિલો કેકનું કટીંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજેના તાલે ઝૂમી ઉઠશે.

આ દરમ્યાનમાં સવારે 7 વાગ્યે સમુહ મારૂતી યજ્ઞનું પણ આયોજન કરાયું છે. જેમાં આચાર્ય રાકેશપ્રસાદદાસ સમૂહ યજ્ઞવિધિમાં લાભ આપશે અને 1000થી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે. બપોરે 11 કલાકે મહાઅન્નકૂટ યોજાશે અને દાદાના દર્શને આવતા તમામ ભક્તો માટે 10 કલાકે મહાપ્રસાદનો પ્રારંભથઈ જશે. સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી યોજાશે. જેમાં હજારો દિવડાઓ દ્વારા સામુહિક કષ્ટભંજનદેવની સંતો-ભક્તો દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે.

3000થી વધુ સ્વયંસેવકો રહેશે ખડેપગે
સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઈક્રો મેનેજમેન્ટ માટે 3000 હજારથી વધુ સવ્યંસેવકો ભોજનાલય, મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના 25 અલગ-અલગ વિભાગોમાં ખડેપગે રહેશે. આ ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાળાથી આવતાં અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ પાર્કિંગમાં એક સાથે 10 હજારથી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરી શકાશે.

હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું છે કે, વ્હાલા ભક્તો મહામૂલો મહામહોત્સવ એટલે હનુમાન જયંતી. આ વર્ષે પણ સાળંગપુર ધામની અંદર દાદાના ધામમાં દિવ્યાતિદિવ્ય અલૌકિક અવર્ણીય, આહલાદક અને આનંદદાયક હનુમાન જયંતી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 12 એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે દાદાના દરબારમાં ભવ્યાતિભવ્ય મહામહોત્સવ ઉજવાશે. એના આગલા દિવસે 11 એપ્રિલ શુક્રવારના દિવસે ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય કળશ યાત્રાનો ઉત્સવ છે. આખી રાત સંગીત સંધ્યામાં મોટા કલાકારો દાદાના ભજન સંભળાવશે, કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં આપણે નાચી, ઝૂમીને દાદાને પ્રસન્ન કરીશું.

હનુમાનજીના જન્મની પૂર્વ સંધ્યાએ આપણે સૌએ એક સાથે ભેગા થઈને કિંગ ઓફ સાળંગપુર દાદાની મહાઆરતી કરવાની છે. બીજા દિવસે સવારે વહેલા મંગળા આરતી થશે, ત્યાર પછી શણગાર આરતી થશે આ પછી દાદાના પ્રાંગણમાં મોટી કેક કાપીને ફુગ્ગા ઉડાવીને હનુમાનજીના જન્મોત્સવનું સેલિબ્રેશન કરીશું. ત્યાર પછી હનુમાનજીનું રાજોપચાર પૂજન થશે. આ ઉપરાંત દાદાને સુવર્ણના શણગાર અને અન્નકુટ પણ ધરાવાશે.

Advertisement
Tags :
Advertisement