હમાસે મુક્ત થનારા ત્રણ ઇઝરાયલી બંધકોના નામ જાહેર કર્યા
ગાઝામાં યુદ્ધવિરામનો માર્ગ મોકળો, હમાસે મુક્ત થનારા ત્રણ ઇઝરાયલી બંધકોના નામ જાહેર કર્યા છે. હમાસે ત્રણ મહિલા બંધકોના નામ જાહેર કર્યા છે. આ ત્રણેયને ગાઝા યુદ્ધવિરામ કરાર હેઠળ મુક્ત કરવામાં આવશે. હમાસની આ જાહેરાતને કારણે, ઘણા કલાકોના વિલંબ પછી આખરે યુદ્ધવિરામ શરૂ થવાનો માર્ગ મોકળો થયો. આ અગાઉ ઇઝરાયલે કહ્યું હતું કે પૂર્વનિર્ધારિત યુદ્ધવિરામ રવિવારથી અમલમાં આવશે નહીં જ્યાં સુધી પેલેસ્ટિનિયન જૂથ ત્રણ બંધકોના નામોની યાદી સોંપશે નહીં.
હમાસના પ્રવક્તાએ ટેલિગ્રામ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગાઝામાં યુદ્ધવિરામ કરારના પહેલા દિવસે હમાસે ત્રણ ઇઝરાયલી કેદીઓના નામ જાહેર કર્યા છે જેમને મુક્ત કરવામાં આવનાર છે. "કેદીઓની અદલાબદલી કરારના ભાગ રૂપે, અમે આજે રોમી ગોનેન, (24), એમિલી દામારી, (28) અને ડોરોન શતાનબાર ખૈર, (31) ને મુક્ત કર્યા છે," હમાસની સશસ્ત્ર પાંખ, કાસમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઓબેદાએ જણાવ્યું.
(Photo-File)