ટ્રમ્પની ગાઝા ડીલ પર હમાસની અસંમતિ, શરતોમાં ફેરફારની માંગ કરાશે
અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધ સમાપ્ત કરવા માટે 20 મુદ્દાની શાંતિ યોજના રજૂ કરી છે. ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ પ્રસ્તાવને સ્વીકાર્યો છે, પરંતુ હમાસે હજી સુધી તેની મંજૂરી આપી નથી. સૂત્રો મુજબ, હમાસ આ ડીલ સ્વીકારતા પહેલાં તેમાં મહત્વના ફેરફારની માંગ કરી શકે છે.
ટ્રમ્પની યોજના હેઠળ હમાસને 72 કલાકની અંદર તમામ ઇઝરાયેલી બાંધકોને મુક્ત કરવાના રહેશે, તેમજ હથિયારો મૂકવા પડશે. બદલામાં યુદ્ધ સમાપ્ત થશે અને ઇઝરાયેલી સેનાને ધીમે ધીમે ગાઝાથી પાછું ખેંચવામાં આવશે, જ્યાં આંતરરાષ્ટ્રીય દળની તૈનાતી થશે.
હમાસ માટે તમામ હથિયારો મૂકવાની માંગ અસ્વીકાર્ય ગણાય છે. સૂત્રો મુજબ, હમાસ ખાસ કરીને ગાઝાથી ઇઝરાયેલની સંપૂર્ણ વાપસી અને નિશસ્ત્રીકરણની શરતોમાં નરમાઈ ઈચ્છે છે. હમાસે સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ પ્રસ્તાવને સ્વીકારે તો પણ કેટલાક મુદ્દાઓમાં ફેરફાર ફરજિયાત રહેશે.
મિસ્ર, કતાર અને તુર્કી હાલમાં દોહામાં હમાસના નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. બીજી તરફ ફ્રાન્સ અને મિસ્રના વિદેશ મંત્રીઓએ હમાસને યોજના સ્વીકારવા અપીલ કરી છે. સૂત્રો કહે છે કે ટ્રમ્પે હમાસને ત્રણથી ચાર દિવસમાં જવાબ આપવા સમયમર્યાદા આપી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો પ્રસ્તાવ ન સ્વીકારાય તો "નરક જેવી કિંમત ચૂકવવી પડશે."
ગાઝા સંઘર્ષ 7 ઑક્ટોબરથી શરૂ થયો હતો, જ્યારે હમાસના હુમલામાં 1,200 લોકોનાં મોત થયા હતા અને 250 જેટલા લોકોને બાંધક બનાવાયા હતા. ત્યારબાદથી ઇઝરાયેલી હુમલાઓમાં અત્યાર સુધી 66,000થી વધુ પેલેસ્ટિનીયનોનાં મોત થયાં છે અને ગાઝાનો મોટો ભાગ ખંડેરમાં ફેરવાઈ ગયો છે.