ગુવાહાટીમાં 2025માં પ્રથમવાર મહિલા વર્લ્ડ કપની મેચ યોજાશે
આસામના શહેર ગુવાહાટી પ્રથમ વખત ટેસ્ટ મેચનું આયોજન કરવા માટે તૈયાર છે. નવેમ્બરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે ત્યારે આ ઉત્તર-પૂર્વીય શહેર રેડ બોલ ક્રિકેટ મેચનું આયોજન કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ દેવજીત સૈકિયાએ આ માહિતી આપી હતી. આ વર્ષે મહિલા વર્લ્ડ કપ પણ યોજાવાનો છે અને સાકિયાએ કહ્યું હતું કે, ગુવાહાટીમાં પણ પહેલીવાર વર્લ્ડ કપ મેચનું આયોજન કરશે.
સાકિયાએ જણાવ્યું હતું કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં આસામ ક્રિકેટ એસોસિએશન (ACA) ખાતે રમાશે. સાકિયાએ કહ્યું કે આનાથી ગુવાહાટી ટેસ્ટ ક્રિકેટના નકશા પર આવશે. "અત્યાર સુધી ગુવાહાટીમાં કોઈ ટેસ્ટ મેચ કે વર્લ્ડ કપ મેચ યોજાઈ નથી, પરંતુ શનિવારે યોજાયેલી BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને આ વર્ષે ગુવાહાટી આ બંને મેચોનું આયોજન કરશે," સાકિયાએ જણાવ્યું.
સાકિયાએ જણાવ્યું હતું કે ICC મહિલા વર્લ્ડ કપની પાંચથી છ મેચ ગુવાહાટીમાં યોજાશે, જે પહેલી વાર હશે જ્યારે આ પ્રદેશ વર્લ્ડ કપ મેચનું આયોજન કરશે. સાકિયાએ કહ્યું કે, મહિલા વર્લ્ડ કપ 24 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર દરમિયાન યોજાશે. તેનો કાર્યક્રમ હજુ સુધી અંતિમ સ્વરૂપ પામ્યો નથી. જોકે, તેનું આયોજન કરવા માટે ગુવાહાટીની પસંદગી કરવામાં આવી છે.
આસામ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી, સૈકિયાએ ICC પ્રમુખ જય શાહ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માનો તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો, જેના કારણે ગુવાહાટી ક્રિકેટ મેચોનું આયોજન કરવા માટે યોગ્ય સ્થળ તરીકે ઉભરી આવ્યું હતું. દક્ષિણ આફ્રિકાની ટીમ બે ટેસ્ટ, ત્રણ વનડે અને પાંચ ટી20 મેચની શ્રેણી માટે ભારત આવશે. આ T20 શ્રેણી બંને ટીમોને આવતા વર્ષે ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તૈયારી કરવાની તક આપશે.