મેક્સિકોની ખાડી હવે અમેરિકાની ખાડી તરીકે ઓળખાશે, ટ્રમ્પે આદેશ ઉપર હસ્તાક્ષર કર્યાં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરવા માટે આદેશ કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ હસ્તાક્ષર કર્યાં ત્યારે તેઓ પોતાના સત્તાવાર વિમાન એરફોર્સ વનમાં અમેરિકાની ખાડી ઉપરથી ઉડાન ભરી રહ્યાં છે. ટ્રમ્પ ખરેખર ન્યૂ ઓર્લિયન્સમાં સુપર બાઉલમાં હાજરી આપવાના હતા. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરવાની જાહેરાત કરી હતી અને હવે તેમણે સત્તાવાર રીતે તે આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.
મેક્સિકોની ખાડી છેલ્લા 400 વર્ષથી આ નામથી જાણીતી હતી.. જોકે, ટ્રમ્પ કહે છે કે અમેરિકન શહેર ન્યુ મેક્સિકોના કારણે તેને મેક્સિકોની ખાડી કહેવામાં આવે છે. ખાડીનું નામ બદલવાની જાહેરાત કરતી વખતે ટ્રમ્પે કહ્યું હતું કે ખાડીનું નામ અમેરિકાના નામ પર રાખવું જોઈએ કારણ કે તેના પર મોટાભાગનો નિયંત્રણ અમેરિકાનો છે. મેક્સિકો અને ક્યુબાનો પણ તેમાં હિસ્સો છે. આ ખાડી અમેરિકા માટે આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે, જેમાં માછીમારી, વીજળી ઉત્પાદન અને વેપાર વગેરે મુખ્ય પ્રવૃત્તિઓ થાય છે. ટ્રમ્પે કહ્યું હતું કે મેક્સિકોની ખાડીને અમેરિકન ખાડી તરીકે ઓળખવી જોઈએ કારણ કે તે અમારો પ્રદેશ છે.
ટ્રમ્પે મેક્સિકોની ખાડીનું નામ બદલીને અમેરિકાની ખાડી કરી દીધું છે, પરંતુ વિશ્વના અન્ય દેશો આ આદેશથી બંધાયેલા નથી. ટ્રમ્પના આ પગલાને મેક્સિકો વિરુદ્ધ કાર્યવાહીનો ભાગ માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે મેક્સિકો પર ડ્રગ્સની તસ્કરી અને અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પે તાજેતરમાં મેક્સિકો તેમજ કેનેડા પર ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો. જોકે, બાદમાં તેણે તેના પર થોડા દિવસ માટે પ્રતિબંધ મૂક્યો.