ગુજકેટના પરીક્ષા ફોર્મ 17મી ડિસેમ્બરથી ઓનલાઇન ભરી શકાશે
- ગુજકેટના ફોર્મ તા. 31મી ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે,
- ધો, 12 સાયન્સ બાદ ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ જરૂરી,
- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા લેવાશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ પરીક્ષાના ફોર્મ તારીખ 17મી, ડિસેમ્બરથી ઓનલાઇન ભરવાનું શરૂ થશે અને 31 ડિસેમ્બર-2024 સુધી ભરી શકાશે. ગુજકેટ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તેની નિયત કરેલી રૂપિયા 350 ફી પણ વિદ્યાર્થીઓએ ઓનલાઇન ભરવાની રહેશે. ધોરણ-12 સાયન્સ પછી ઇજનેરી, ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ દસેક દિવસ વહેલી શરૂ થશે, એટલે કે ફેબ્રુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહથી પરીક્ષાનો પ્રારંભ થશે. ધોરણ-12 સાયન્સ પછી ડીગ્રી એન્જિનિયરિંગ , ડિગ્રી કે ડિપ્લોમાં ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બોર્ડ દ્વારા લેવામાં આવે છે. જોકે ધોરણ-10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ઉપરાંત હાલમાં લેઇટ ફી સાથે ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓના ઓનલાઇન ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજકેટ પરીક્ષા પણ વહેલા લેવામાં આવશે. અને તેના ઓનલાઇન ફોર્મ સ્વીકારવાની કામગીરી શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 17મી, ડિસેમ્બર-2024થી પ્રારંભ કરવામાં આવશે. ગુજકેટ પરીક્ષાના ફોર્મ ઓનલાઇન શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર આગામી તારીખ 31મી, ડિસેમ્બર સુધી સ્વીકારવામાં આવશે. શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર ઓનલાઇન ફોર્મની સાથે તેની નિયત ફી પણ ઓનલાઇન ભરવામાં આવશે.