મહાકુંભમાંથી પરત ફરતા ગુજરાતીઓને લીમખેડામાં અકસ્માત નડ્યો, 4 નાં મોત
અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા ગયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓને લીમખેડા પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં ચાર લોકોના મૃત્યુ અને આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની મળતી વિગત પ્રમાણે, પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ચાર શ્રદ્ધાળુઓના કરુણ મૃત્યુ થયા હતા અને આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે કેવી રીતે દુર્ઘટના બની તે જાણવા ઘાયલોના નિવેદન લીધા હતા. દુર્ઘટનાને કારણે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ જિલ્લામાં પણ શ્રદ્ધાળુઓ ભરેલી બોલેરો અને બસ સામ સામે ટકરાયા હતા. જેમાં બોલેરોમાં સવાર તમામ 10 શ્રદ્ધાળુના મૃત્યુ થયા હતા. તમામ મૃતકો છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા. બોલેરોમાં સવાર 10 શ્રદ્ધાળુ સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં આવતા હતા.આ દુર્ઘટનામાં બસમાં સવાર 19 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલો સંગમ સ્નાન બાદ વારાણસી જતા હતા. તમામ ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યા હતા. બસમાં સવાર તમામ શ્રદ્ધાળુ મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે.