55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ "કારખાનું"ની પસંદગી
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ 'કારખાનું ' સત્તાવાર રીતે પસંદગી પામી છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. એક ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવી આ વાત છે. ઇન્ડિયામાં મેઈન સ્ટ્રીમ ફિલ્મમાં કલ્કી, મન્જુમલ બોય્સ, 12th ફેઈલ , સ્વર્ગારથની સાથે આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ "કારખાનું" એ ડંકો વગાડ્યો છે. એક ગુજરાતી તરીકે ગર્વની લાગણી અનુભવાય તે તો સ્વાભાવિક છે.
ગુજરાતની પ્રથમ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ "કારખાનું"નું દિર્ગદર્શન ઋષભ થાનકી દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મની વાર્તા પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી અને પૂજન પરીખે લખી છે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લ, રાજુ બારોટ, કાજલ ઓઝા વૈધ જેવા અનુભવી કલાકારો સાથે પાર્થ મધુકૃષ્ણ, હર્ષદીપસિંહ જાડેજા, હાર્દિક શાસ્ત્રી , દધીચિ ઠાકર જેવા યુવા કલાકારો એ અભિનયના ઓજસ પાથર્યા છે.
સૌરાષ્ટ્રની તળની કોઈ લોક-વાર્તાને લઈને નવી ટેક્નોલોજી અને હોલીવુડ કક્ષાની આ ફિલ્મ છે. તળપદી ભાષાના ડાયલોગ્સ પણ મજ્જો પડાવી દે તેવા છે. ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો ફિલ્મ જોઈ ને જ ખ્યાલ આવે આવશે.