અમેરિકા ગેરકાયદે જતા ગુજરાતી પરિવારે બોટ ઊંધી વળતા બે સંતાનો ગુમાવ્યા
- વિજાપુરના આનંદપુરા ગામનો પરિવાર અમેરિકા સેટલ થવા જઈ રહ્યો હતો
- મેક્સિકોથી દરિયાઈ માર્ગે જતા બોટ ઊંધી વળી, બે સંતાનોના મોત
- માતા-પિતાને હોસ્પિટલ દાખલ કરાયા
મહેસાણાઃ ઉત્તર ગુજરાતના લોકોમાં અમેરિકામાં સેટલ થવાનો સૌથી વધુ ક્રેઝ જોવા મળે છે. જેમાં ઘણા પરિવારો એજન્ટોના માધ્યમથી ગેરકાયદે અમેરિકા જતા હોય છે. અમેરિકામાં પ્રવેશ માટે જૂદી જુદા રસ્તાઓ અપનાવતા હોય છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરા ગામનો એક પરિવારની અમેરિકા જવાની કોશિશમાં બે સંતાનોને ગુમાવવા પડ્યા છે. મેક્સિકોથી અમેરિકા જવા માટે નૌકામાં સવાર થયેલા પરિવારની નૌકા સેન ડિએગો કિનારે પલટી જતાં બે બાળકોનાં મોત થયાં છે.
આ અંગેની વિગતો એવી જાણવા મળી છે કે, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આનંદપુરા ગામના બ્રિજેશ પટેલ અને તેમનાં પત્ની જાગૃતિબેન પોતાનાં બે બાળકો સાથે મેક્સિકોથી અમેરિકા જવા નીકળ્યાં હતાં. સેન ડિએગો કિનારે પહોંચતાં જ દરિયાનું મોજું આવ્યું અને નૌકા પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં તેમના 10 વર્ષીય પુત્ર પ્રિન્સનો મૃતદેહ મળ્યો છે, જ્યારે 15 વર્ષીય પુત્રી માહીના મૃતદેહની શોધખોળ ચાલુ છે. બ્રિજેશ પટેલ અને જાગૃતિબેન પટેલ હાલ સિપ્રસ મેમોરિયલ હોસ્પિટલ સેન ડિએગોમાં સારવાર હેઠળ છે અને બંને યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP)ની કસ્ટડીમાં છે. ભારતના સેન ફ્રાન્સિસ્કો સ્થિત કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર આ ઘટનાની પુષ્ટિ કરી છે.
મેક્સિકોથી અમેરિકા જતા દરિયામાં બોટ ઊંધી વળતા કુલ ત્રણ લોકોનાં મોત થયાં છે અને નવ લોકો ગુમ થયા છે. ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ આસપાસથી અનેક ભારતીય પાસપોર્ટ પણ મળ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ નૌકાનો ઉપયોગ છેલ્લા ઘણા સમયથી માનવતસ્કરી માટે થઈ રહ્યો હતો.
આનંદપુર ગામના લોકોના કહેવા મુજબ , બ્રિજેશભાઈને સબ મર્શિબલ પંપનો વ્યવસાય હતો. આર્થિક દેવું થતાં 6 માસ અગાઉ પરિવાર સાથે લંડનના કાયદેસરના વિઝા પર ગયા હતા. ત્યાથી મેક્સિકો કેવી રીતે પહોંચ્યા તે ખબર નથી. આ ઘટનામાં તેઓ એક બોટમાં સવાર હતા. એવુ જાણવા મળ્યુ છે.