ગુજરાતમાં હવે 5 દિવસ ઠંડીમાં થોડી રાહત મળશે, જાન્યુઆરીના બીજા સપ્તાહથી ઠંડી વધશે
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર ઘટશે
- કચ્છના નલિયામાં 10 ડિગ્રીથી ઓછુ તાપમાન નોંધાયુ,
- 5 દિવસ તાપમાનમાં એકાદ-બે ડિગ્રીનો વધારો થશે
અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2025ના નૂતન વર્ષનો ઉમંગ અને ઉત્સાહથી પ્રારંભ થયો છે. છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડી અને ઠંડા પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ત્યારે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. અને આગામી 5 દિવસ એટલે કે રવિવાર સુધી તાપમાનમાં એકાદથી બે ડિગ્રીનો વધારો થશે. એટલે લોકોને કડકડતી ઠંડીમાંથી થોડી રાહત મળશે. જોકે જાન્યુઆરીના બીજા સપ્તાહથી ફરીવાર તાપમાનનો પારો ગગડશે અને ઠંડીમાં વધારો થશે. જેમાં 10મી જાન્યુઆરીથી ઠંડીનું તીવ્ર મોજું ફરી વળે તેવી શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવા વર્ષના પ્રથમ દિવસે ઠંડીનું જોર સામાન્ય રહ્યું હતું અને સામાન્ય ઠંડી વચ્ચે લોકોએ નવા વર્ષના આગમનની ઉજવણી કરી હતી. આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે. ગઈકાલે મંગળવારે કચ્છના નલિયામાં જ 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આ ઉપરાંતના વિવિધ જિલ્લામાં સામાન્ય ઠંડીનું પ્રમાણ નોંધાયું હતું તથા આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર ઘટે તેવી શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી પાંચ દિવસ સુધી ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.
હવામાન વિભાગના કહેવા મુજબ આગામી 5 દિવસ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. જેથી ઠંડીનું જોર ઘટશે. જ્યારે સૌરાષ્ટ્ર ઉપર ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો ફુંકાઈ રહ્યા છે જેથી ત્યાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન ફુંકાય રહ્યો છે. જેથી તાપમાનનું પ્રમાણ થોડા અંશે વધુ રહેવાની સંભાવના છે. હજુ આગામી પાંચ દિવસમાં પવનની દિશા બદલાઈને પૂર્વ અને દક્ષિણ પૂર્વ થઈ શકે છે. જેથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે.
જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. એ સમયે ઠંડીનો પારો ગગડશે. જાન્યુઆરી માસમાં હવામાનમાં ભારે પલટો આવશે. આગામી 4થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પાંચમહલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 8 ડીગ્રી જેટલું રહેશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન ૮ ડિગ્રી પહોંચી શકે છે.