ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થતાં કડકડતી ઠંડી અનુભવાશે
- ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને લીધે લઘુત્તમ તાપમાનમાં થયો ઘટાડો,
- નલીયામાં સૌથી ઓછું 10,8 ડિગ્રી લઘુત્તમ તાપમાન,
- ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની શક્યતા
અમદાવાદઃ શિયાળાનો કારતક મહિનો પૂર્ણ થયાને માગસર મહિનાનું એક સપ્તાહ વિતિ ગયુ છતાંયે બપોરના ટાણે પંખા ચાલુ રાખવા પડે એવી સ્થિતિ હતી. પણ હવે ગઈકાલથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, તેથી ઠંડીનું જોર વધ્યું છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનોને કારણે ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અને હવે કડકડતી ઠંડી લોકોને ધ્રુજાવશે
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે. કે, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું હતુ. જો કે હવે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આગામી 72 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલ સહિત જિલ્લાઓમાં કાતિલ ઠંડી પડી શકે છે. જો કે આગામી 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બની શકે છે. જેની સંયુક્ત અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાત સુધી વાદળછાંયુ વાતાવરણ જોવા રહેશે અને ક્યાંક કમોસમી વરસાદના છાંટા પણ પડી શકે છે. આ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાન 30 થી 31 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. એટલે કે 16 થી 22 ડિસેમ્બર સુધીના એક સપ્તાહ દરમિયાન વાદળ વાયુ આવતા મહત્તમ તાપમાન વધવાથી ઠંડીમાં ઘટાડો થશે. જેમાં સુરત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન ઉચકાઈ શકે છે. આ પશ્ચિમી વિક્ષોપ બાદ 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. જાન્યુઆરીની શરૂઆતમાં પણ કડકડતી ઠંડીને અહેસાસ થશે.
છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મોડી રાત્રે અને વહેલી સવારે આ ઉપરાંત દિવસ દરમિયાન પણ મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન ઘટી શકે છે, જેથી ડિસેમ્બરની ઠંડીનો અનુભવ થશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે નવેમ્બર મહિનામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનો અનુભવ ઓછા પ્રમાણમાં થયો હતો. ત્યારે ડિસેમ્બર મહિનામાં રાજ્યનું આ વર્ષનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં ગત 24 કલાક દરમિયાન 10.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.