ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષમાં બેવાર પ્રવેશ પક્રિયાનો પ્રારંભ, હવે સીધા સેમેસ્ટર-2માં પ્રવેશ
અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત યુનિવર્સીટીમાં હવે વર્ષમાં બેવાર પ્રવેશ પક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ગત સત્રમાં વિદ્યાર્થીઓને વિવિધ ફેકલ્ટીઓમાં સેમેસ્ટર-1માં પ્રવેશ અપાયો હતો. હવે બીજા સત્રમાં વિધાર્થીઓને વિવિધ કોર્સમાં સીધું સેમેસ્ટર-2માં એડમિશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ સેમેસ્ટર-2નો અભ્યાસ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે તેમને ઓડ-ઇવન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવશે. આ સિસ્ટમથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર નહીં થાય. સિલેબસ પણ તે રીતે નક્કી કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશીખાઓમાં વિદ્યાર્થીઓને જુન-જુલાઈ યાને કે શૈક્ષણિક સત્રના પ્રારંભમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. હવે વર્ષમાં વિદ્યાર્થીઓને બેવાર પ્રવેશ આપવામાં આવશે. નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે વર્ષ 2025થી ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષમાં બે વખત એડમિશન કરવામાં આવશે. નિયમિત એડમિશન જૂન મહિનામાં થશે તે ઉપરાંત બીજી વખત એડમિશન જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એડમિશનને લઈને પ્રવેશ પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. વિવિધ કોર્સની 6212 બેઠકો ઉપર યુનિવર્સિટી દ્વારા પ્રવેશ આપવામાં આવશે. આ પ્રક્રિયામાં અગાઉ પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકશે.
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પક્રિયા દરમિયાન જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે, તેમને સીધું સેમેસ્ટર-2માં પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ સેમેસ્ટર-1ની પરીક્ષા સેમેસ્ટર-3ની જગ્યાએ આપવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સેમેસ્ટર-4ની પરીક્ષા નિયમિત વિદ્યાર્થીઓ સાથે આપવાની રહેશે અને સેમેસ્ટર-5ની જગ્યાએ વિદ્યાર્થીઓએ સેમેસ્ટર-3ની પરીક્ષા આપવાની રહેશે. આમ, સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ અભ્યાસ અને સેમેસ્ટર ઇવન-ઓડ સિસ્ટમથી કરવાનો રહેશે. વર્ષમાં બે વખત પરીક્ષા યોજાય છે, જેમાં સામાન્ય રીતે સેમેસ્ટર 1, 2,3,4,5 અને 6 તે રીતે પરીક્ષા લેવાય છે પરંતુ, બીજી વખતની પ્રવેશ પ્રક્રિયામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે, તેમણે ક્રમાંક સેમેસ્ટર 2,1,4,3,6 અને 5ની પરીક્ષા આપવાની રહેશે.આ પ્રકારની સિસ્ટમથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર નહીં થાય. વિદ્યાર્થીઓને કોઈ નુકસાન પણ નહીં થાય. નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે વિદ્યાર્થીઓનો અભ્યાસ અને સિલેબસ પણ તે રીતે સેટ કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ તા. 20થી 24 ફેબ્રુઆરી દરમિયાન વિધાર્થી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે આ પ્રવેશ પ્રક્રિયામાં પણ GCAS પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 20થી 24 ફેબ્રુઆરી દરમિયાન વિધાર્થી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વિધાર્થીઓએ તેમની પસંદગીની કોલેજ કોર્સમાં અરજી ફોર્મની હાર્ડ કોપી જમા કરાવવાની રહેશે. કોલેજોએ વિદ્યાર્થીનું ફોર્મ સ્વીકારીને ચકાસણી કર્યા બાદ મેરીટના આધારે GCAS પર ઓનલાઇન પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. 27 ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓનો એડમિશન કન્ફર્મ થઈ જશે.