For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ મેદસ્વિતા મુક્તિ અભિયાન અંતર્ગત, દેશનું પ્રથમ રાજ્ય બનશે

12:28 PM Sep 16, 2025 IST | revoi editor
ગુજરાતઃ મેદસ્વિતા મુક્તિ અભિયાન અંતર્ગત  દેશનું પ્રથમ રાજ્ય બનશે
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂતે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં યોગ બોર્ડ દ્વારા 'મેદસ્વિતા મુક્તિ અભિયાન'નું આયોજન કરવામાં આવશે, જે ત્રણ તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કો તા.17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર 2025, બીજો તબક્કો તા.01થી 31 નવેમ્બર અને ત્રીજો તબક્કો તા. 01થી 30 ડિસેમ્બર 2025 સુધી યોજાશે. આ અભિયાન અંતર્ગત યોગના માધ્યમથી રાજ્યના 10 લાખ નાગરિકોનું વ્યક્તિ દીઠ 10 કિ.લો વજન ઘટાડવા માટેનો યોગ બોર્ડે મહાસંકલ્પ કર્યો છે.

Advertisement

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગના એક્સપર્ટ કોચ દ્વારા યોગના માધ્યમથી એક વ્યક્તિનો 10 કિ.લો વજન ઓછું કરીને રાજ્યના 10 લાખ નાગરિકોનો સંયુક્ત રીતે કુલ 1 કરોડ કિ.લો જેટલો વજન ઘટાડીને ગુજરાતના નાગરિકોને મેદસ્વિતાથી મુક્તિ આપવાની દિશામાં યોગ બોર્ડ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. યોગ આપણી સંસ્કૃતિ છે. યોગના માધ્યમથી સ્વાસ્થ્ય વર્ધનની સાથો-સાથ વજન પણ ઓછું થાય છે. 'મેદસ્વિતા મુક્તિ અભિયાન' અંતર્ગત યોગશાસ્ત્ર અને આહારશાસ્ત્ર પર અમે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીશું. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં 75 સ્થળોએ યોગ બોર્ડ અને આરોગ્ય વિભાગની મેડીકલ ટીમ પરિણામલક્ષી કાર્યક્રમો યોજીને નાગરિકોનો બ્લડ ટેસ્ટ, બોડી માસ ઇન્ડેક્સ તૈયાર કરીને સ્થળ પર જ ડાયટપ્લાન આપશે.

વધુમાં શીશપાલ રાજપૂતે કહ્યું કે, 'મેદસ્વિતા મુક્તિ અભિયાન' અંતર્ગત ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય હશે, જ્યાં 10 લાખ લોકોનું વજન ઓછું થયું હશે. ગુજરાત યોગ બોર્ડ ફક્ત યોગ દિવસ એટલે કે, 21 જૂને જ કાર્ય નથી કરતું, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન કાર્યરત રહીને નાગરિકોનાં સ્વાસ્થ્યની ચિંતા કરે છે. યોગ બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં આયોજિત 5000 થી વધુ નિ:શુલ્ક યોગ વર્ગોમાં અંદાજિત 5 લાખથી વધુ નાગરિકો જોડાયા છે. આ યોગ કેમ્પમાં જોડાઈને રાજ્યના નાગરીકોએ 5 કિ.લો, 10 કિ.લોથી લઈને 20 કિ.લો જેટલું વજન ઘટાડ્યું છે.

Advertisement

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શીશપાલે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમ મહાનગરોમાં, જિલ્લાઓમાં, તાલુકા કક્ષાએ રાજ્યમાં કાર્યરત છે. ગુજરાતનાં નાગરિકો યોગી બનીને નિરોગી બને તે દિશામાં યોગ બોર્ડ આગામી સમયમાં ગામે – ગામ સુધી પોતાના યોગ કેન્દ્રોનું આયોજન કરશે. મેદસ્વિતા એ આજે સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. મેદસ્વિતાએ બીમારીઓનો ખજાનો છે. 'મેદસ્વિતા મુક્તિ અભિયાન' નાગરિકોના તન અને મનનો ભાર ઘટાડવામાં એક અસરકારક પગલું પૂરવાર થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ અભિયાનમાં જોડાઈને ‘સ્વસ્થ ગુજરાત, સુખી ગુજરાત’ બનાવવાની નેમ લીધી છે. આમ રાજ્યના નાગરિકોને 'મેદસ્વિતા મુક્તિ અભિયાન'માં જોડાઈને યોગી અને નિરોગી બનવા તેમણે અનુરોધ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement